ચંદ્રયાન, સૂર્યયાન બાદ મિશન ‘સમુદ્રયાન’
બ્રહ્માંડને ખંખોળિયા બાદ હવે સમુદ્રમંથન
*‘મત્સ્ય ૬૦૦૦’નું વજન ૨૫ ટન
*૧૨-૧૬ કલાક સુધી કામ કરી શકે
*૯૬ કલાક સુધી થશે ઓક્સિજનની સપ્લાય
મુંબઇ: ચંદ્રયાન, સૂર્યયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ હવે દેશના વૈજ્ઞાનિકો સમુદ્રયાન’ની તૈયારીઓ કરી રહ્યા છે. મિશન સમુદ્રયાન હેઠળ ત્રણ વૈજ્ઞાનિકોને દરિયાથી ૬,૦૦૦ મીટર અંદર મોકલવામાં આવશે. આ માટે વૈજ્ઞાનિકો તરફથી મેડ ઇન ઇન્ડિયા સબમર્સીબલ તૈયાર કરી છે, જેને ‘મત્સ્ય ૬,૦૦૦’ નામ આપવામાં આવ્યું છે.
આ સબમર્સીબલને બનાવવામાં નિકેલ, કોબાલ્ટ અને મેંગેનીઝ જેવા તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત પહેલા અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ જેવા દેશો જ માનવની ઉપસ્થિતિ સાથેના સબમર્સીબલને દરિયામાં ઉતારવા સફળ થઇ શક્યા છે.
હાલમાં જ ટાઇટન સબમર્સીબલના ડૂબી જવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. મિશન સમુદ્રયાનમાં આવું ન થાય એ માટે રાષ્ટ્રીય મહાસાગર પ્રોદ્યોગિકી સંસ્થાન એનઆઇઓટીના વૈજ્ઞાનિકોએ
સબમર્સીબલની ડિઝાઇન, સામગ્રીઓ, પરીક્ષણ, ઓપરેટિંગ પ્રોસીજર પર વિશેષ મહેનત કરી છે.
‘મત્સ્ય ૬,૦૦૦’ ને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો. હજુ પણ થોડું ઘણું કામ બાકી છે, જે વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂરું થઇ જશે. આ પછી બંગાળની ખાડીમાં ચેન્નઇના તટ પર તેનું પ્રથમ પરીક્ષણ થશે. ભૂ-વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે સમુદ્રયાન મિશન હેઠળ તેઓ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મત્સ્ય સબમર્સિબલનું ટ્રાયલ કરવા જઈ રહ્યા છીએ. આ ટ્રાયલ ૫૦૦ મીટર ઊંડાણમાં થશે. તેમણે કહ્યું કે આ મિશન વર્ષ ૨૦૨૬ સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
‘મત્સ્ય ૬,૦૦૦’ સમુદ્રની અંદર નિકલ, કોબાલ્ટ, મેંગેનીઝ, હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ્સ અને ગૅસ હાઇડ્રેટ્સની શોધ કરશે. તે ઉપરાંત, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ (જળ-ઉષ્મા) અને કેમોસિન્થેટિક બાયોડાયવર્સિટીની પણ તપાસ કરશે.