ભિવંડી બાદ માલેગાંવના પણ પાવર લૂમ વીસ દિવસ સુધી બંધ
₹ ૧૫૦ કરોડના નુકસાનની શકયતા
ભિવંડી: ભિવંડીના પાવર લૂમ્સ પહેલી નવેમ્બરથી વીસ દિવસ સુધી બંધ રહેશે. તેમને સમર્થન આપતા માલેગાંવના પાવર લૂમ વેપારીઓએ પણ બંધનું એલાન આપ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બંધની ઇન્ડસ્ટ્રી પર ઊંડી અસર પડશે અને સરકારી તિજોરીને રોજનું ૧૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. ફેબ્રિકના ભાવમાં પ્રતિ મીટર ત્રણથી પાંચ રૂપિયાનું નુકસાન અંદાજવામાં આવ્યું છે, પાવર લૂમના વેપારીઓ ફેબ્રિકની માગના અભાવ, યાર્નના ભાવમાં વધઘટ અને વીજળીના ઊંચા દરને કારણે બંધ થઈ રહ્યા છે. જોકે તેમાં ઓટોમેટિક પાવર લૂમના વેપારીઓનો સમાવેશ થતો નથી. પાવર લૂમ ઉદ્યોગ સાથે આખી સાંકળ સંકળાયેલી છે અને બંધ થવાના કારણે સાઈઝિંગ ઉદ્યોગને પણ અસર થશે.
પાવર લૂમ ઉદ્યોગ છેલ્લા સાત મહિનાથી મંદીનો સામનો કરી રહ્યો છે. યાર્નના ભાવમાં વધારો અને ફેબ્રિક ઉત્પાદન ખર્ચમાં નુકસાન છતાં પાવર લૂમના કારખાનાઓ ચાલતા હતા. પાવર લૂમ માલિકોએ ઉત્પાદનને અંકુશમાં લેવા, ઉદ્યોગને નુકસાનમાંથી બચાવવા અને સરકાર પર દબાણ લાવવા માટે હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ બંધ શહેરમાં મશીન લૂમ એકમોના આશરે ૨૦,૦૦૦ માલિકોને અસર કરશે અને પરિવાર ઉદ્યોગ પર તેની અસર પડશે. સરકાર સિન્થેટિક કપડા પર ૧૨ ટકા જીએસટી વસૂલ કરે છે તેને પણ આ ઉદ્યોગમાંથી ૨૦ દિવસ સુધી નફો નહીં મળે.
સાઈઝિંગ ઈન્ડસ્ટ્રીને પણ અસર થશે
ભિવંડી પાવર લૂમ ઉદ્યોગમાં સાડા ત્રણસોથી વધુ સાઈઝિંગ કંપનીઓના એકમો છે, જેમાં સુતરાઉ કપડાં બનાવવામાં આવે છે. મંદીના કારણે જ્યાં માત્ર ૬૦ ટકા કામ થઈ રહ્યું છે. દરરોજ ત્રણ લાખ કિલોથી વધુ કામ થાય છે. પાવર લૂમ ફેક્ટરીઓ બંધ થવાને કારણે સાઈઝિંગ કંપનીઓનું કામ પણ બંધ થઈ જશે. જેના કારણે અહીં કામ કરતા શ્રમિકોને આર્થિક સંકટનો સામનો કરવો પડશે. અહીંથી સરકારની આવકનું પણ નુકસાન થશે.
કામદારોની અછત સર્જાશે
ઉદ્યોગો બંધ કરવાની જાહેરાતને પગલે કામદારોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ એકલા રહેતા મજૂરોએ ઘરે જવાની શરૂઆત કરી છે. મોટાભાગના કામદારો યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢથી આવે છે. એકવાર તેઓ ઘરે ગયા પછી દોઢથી બે મહિના પછી જ પાછા આવશે. ભિવંડી પાવરલૂમના સૂત્રોએ કહ્યું કે કોવિડ પછી ભિવંડીમાં મજૂરોની આવી જ અછત હતી. જો કામદારો પાછા જશે તો મુશ્કેલી પડશે. એક મજૂરને રોજના સાતસોથી આઠસો રૂપિયા સુધીનું વેતન મળે છે. મોટા ભાગના રોજિંદા મજૂરો છે. જો કે પાવર લૂમ માલિકોને તેમના કામદારોને રાખવાનો ખર્ચ ઉઠાવવા અપીલ કરવામાં આવી છે.