મોનો રેલની ટિકિટ પર જાહેરાત છાપવામાં આવશે
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મોનોરેલને પુનજીર્વિત કરવાના પ્રયાસો ચાલુ કરેલ છે, જે હાલમાં દર મહિને આશરે રૂ. 25 કરોડની ખોટમાં ચાલી રહી છે. તેને જોતા હવે એમએમઆરડીએએ મોનો રેલની ટિકિટની પાછળની બાજુએ જાહેરાતો છાપવાનો નિર્ણય લીધો છે અને ટેન્ડર પણ બહાર પાડ્યા છે. ટેન્ડર મુજબ આ કામ તે કંપનીને સોંપવામાં આવશે જે ક્રિએટીવ કોન્સેપ્ટ સાથે આવશે. આ ટેન્ડર 27 ડિસેમ્બર 2023 સુધી ભરી શકાશે. કોન્ટ્રાક્ટરે લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યાના 15 દિવસની અંદર ઓથોરિટીને 100 ટકા એડવાન્સ ભાડું ચૂકવવાનું રહેશે. આ કરાર એક વર્ષ માટે રહેશે. હાલમાં અઠવાડિયાના દિવસોમાં દરરોજ 142 મોનો ફેરી ચલાવવામાં આવે છે. શનિ-રવિ અને જાહેર રજાના દિવસે 98 ફેરીઓ ચલાવવામાં આવે છે અને મોનાની ફ્રીક્વન્સીમાં 15 મિનિટનો અંતરાલ હોય છે. તેમજ દરરોજ 20,000 મુસાફરો મુસાફરી કરે છે.
દસ મોનો રેકની સમાવેશ અંગે સસ્પેન્સ
એમએમઆરડીએએ મોનોને પ્રોત્સાહન આપવા માટે કાફલામાં વધુ 10 મોનો ટ્રેનોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. જે મોનોની આવકમાં વધારો કરશે અને મોનોની ફ્રિકવન્સી 15 મિનિટથી પાંચ મિનિટ સુધી લાવશે અને તેના કારણે રાઇડર શિપમાં પણ વધારો જોવા મળશે. પરંતુ વિશ્ર્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે મોનોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએ તેના કાફલામાં 10 મોનોનો સમાવેશ કરવાની યોજના રદ કરી શકે છે. કારણ કે આ યોજનાને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.
મોનોને રેલવે અને મેટ્રો સ્ટેશન સાથે જોડવાની યોજના
આ તમામ 10 રેકની કિંમત 589.95 કરોડ રૂપિયા છે. મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ હૈદરાબાદમાં મોનોરેલ સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. પરંતુ હવે મોનોની પ્રગતિને ધ્યાનમાં રાખીને મોનોની ટિકિટની પાછળની બાજુએ જાહેરાતો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ મોનો માટે વધારાની આવક પેદા કરશે અને ભવિષ્યમાં સૂચિમાં 10 વધારાના મોનો રેક ઉમેરવામાં આવશે. નોંધનીય છે કે ગણેશ ચતુર્થી દરમિયાન એમએમઆરડીએએ લોકોને મોનોમાં સ્થળાંતર કરવા અને ગણરાયના દર્શન કરવાની અપીલ કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
મોનોને રેલવે અને મેટ્રો સ્ટેશનો સાથે જોડવાની યોજના પણ બનાવવામાં આવી હતી. ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. દરખાસ્તમાં મહાલક્ષ્મી રેલવે સ્ટેશનને મેટ્રો-3ના મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન અને ત્યાંથી સાત રસ્તા જંકશન પર સંત ગાડગે મહારાજ મોનો રેલ સ્ટેશન સાથે જોડવાનું કામ કરવામાં આવશે.
એમએમઆરડીએએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટેશન વિકસાવવા માટે 2007-2008માં મોનોરેલ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધી ચાલનારી અંદાજે 20 કિમી લાંબી મોનોરેલનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવ્યું હતું.