વરલીના ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં અનિયમિતતા: આદિત્ય ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ બુધવારે વરલીના એક અગ્રણી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ‘અનિયમિતતાઓ’નો ગંભીર આરોપ લગાવ્યો હતો અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ સુધારાત્મક પગલાં લેવાની માગણી કરી હતી.
સુભેદાર રામજી આંબેડકર નગરનો પ્રસ્તાવિત પુનર્વિકાસ સમયસર શરૂ થઈ શક્યો નથી કેમ કે ગયા 15 વર્ષમાં ઘણા ડેવલપરો આ પ્રોજેક્ટમાંથી પોતાનો હાથ પાછો ખેંચી ચૂક્યા છે.
જમીન ફાળવણી, ગુમ થયેલા દસ્તાવેજો અને રાજ્યની તિજોરીને સંભવિત આર્થિક નુકસાન જેવા વિવિધ આરોપોને પગલે આ પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ ગયો હતો.
આ પણ વાંચો: અડધી જનતા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે, મુંબઈ સાંઘાઈ કે સિંગાપોર ક્યાંથી બને?
તાજેતરમાં આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થતાં, આદિત્ય ઠાકરેએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એવો દાવો કર્યો હતો કે છેલ્લા છ મહિનાથી પ્રોજેક્ટના અસરગ્રસ્ત રહેવાસીઓને ભાડું ન ચૂકવવા સહિત અનેક વિસંગતીઓ બહાર આવી છે.
ઝૂંપડપટ્ટીવાસીઓને બતાવવામાં આવેલ મૂળ લેઆઉટ પ્લાન યોગ્ય સૂચના અથવા મંજૂરી વિના બદલવામાં આવ્યો હતો. પુનર્વસન ઇમારતો પૂર્ણ કર્યા વિના વેચાણપાત્ર ફ્લેટ અને બંગલાઓનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે: એકનાથ શિંદે
ભૂતપૂર્વ પ્રધાન અને આ વિસ્તારના વિધાનસભ્યે એવો પણ દાવો કર્યો હતો કે પ્રોજેક્ટમાં લગભગ 70 ટકા જમીન હજુ સુધી સરકારને સોંપવામાં આવી નથી અને પ્રોજેક્ટમાં સરકારી માલિકીની જમીનની સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી હતી.
ઠાકરેએ અસરગ્રસ્ત રહેવાસીઓને બાકી ભાડાની તાત્કાલિક ચુકવણી કરવાની માગણી કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, બાંધકામમાં મૂળ મંજૂર યોજનાનું પાલન થવું જોઈએ, જેમાં આગળ વ્યાપારી દુકાનો અને પાછળ વેચાણપાત્ર ફ્લેટ હોવા જોઈએ.
તેમણે સ્પીકર અને રાજ્ય સરકારને યોગ્ય કાર્યવાહી શરૂ કરવા અપીલ કરી હતી.