એમટીએચએલ બ્રિજના કામમાં વિલંબ થતાં આદિત્ય ઠાકરેનો સરકાર પર નિશાનો

મુંબઈ: મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારા દેશના સૌથી લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર સી બ્રિજ (એમટીએચએલ)નું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને એમએમઆરડીએ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. પણ આ પુલના ઉદ્ઘાટનને લઈને અનેક પ્રશ્નો નિર્માણ થયા છે. એમટીએચએલ બ્રિજને દેશના ભુતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બજપાઈના જન્મદિવસે એટ્લે કે ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે અને આ બ્રિજને અટલ સેતુ એવું નામ આપવામાં આવ્યું હતું. પુલના ઉદ્ઘાટનની તારીખને લઈને એમએમઆરડીએ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પ્રોજેકટનું કામ મોટા ભાગે પૂરું થઈ ગયું છે પણ વાયરિંગ, લાઇટિંગ અને ટોલ નાકાનું કામ હજી સુધી બાકી છે તેથી ઉદ્ઘાટનની તારીખ વિશે કોઈ માહિતી સામે આવી નથી. એમટીએચએલને લોકો માટે ખુલો મૂકવામાં વિલંબ થતાં શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરેએ સરકાર પર નિશાનો સાધ્યો હતો.
આદિત્ય ઠાકરેએ આ મામલે ટ્વીટ કરી લખ્યું કે આ વર્ષે એમટીએચએલ શરૂ થવાનો છે. પણ સવાલ એ છે કે તેના કામમાં વિલંબ કેમ થયો? જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે આનું ગર્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું અને મે પોતે જઈને કામની તપાસ કરી હતી ત્યારે ૮૫ ટકા કામ પૂરું થઈ ગયું હતું. તેમ છતાં આ બ્રિજનું કામ હજી સુધી પૂરું નથી થયું. વર્તમાન સરકાર મુંબઈગરાઓને હેરાન કરી રહી છે સરકારને ફક્ત ચૂંટણી પ્રચારની ચિંતા છે. ફક્ત એમટીએચએલ નહીં પણ રાજયમાં અનેક કેટલાક પ્રોજેકટના કામો રાખડી પડ્યા છે.
એમટીએચએલ બ્રિજના ખાસિયતની વાત કરીએ તો તે મુંબઈથી નવી મુંબઈ સુધીનો સફર માત્ર ૨૦ મિનિટમાં પૂરો થઈ શકશે. આ બ્રિજ ૨૧.૮ કિમી લાંબો છે અને તેનો ૧૬ કિમી જેટલો ભાગ દરિયા પર બંધવામાં આવ્યો છે.