હીટ એન્ડ રન કેસ મુદ્દે આદિત્ય ઠાકરેએ આપ્યું આવું નિવેદન…
મુંબઈ: પુણેના પોર્શ કાંડ બાદ મુંબઈના વરલીમાં થયેલા હિટ એન્ડ રન કેસે ચકચાર જગાવી છે. આ કેસના મુખ્ય તેમ જ ફરાર થયેલા આરોપી મિહીર શાહને વિરારના શહાપુરથી પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ વરલીના સ્થાનિક વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ નાખવે કુટુંબની મુલાકાત લીધી હતી. નાખવે કુટુંબે તેમની સાથે જે થયું તે જ આરોપી સાથે પણ થવું જોઇએ, તેવી માગણી ઠાકરે સમક્ષ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે પોતાની મોંઘીદાટ બીએમડબલ્યૂ કારથી ટુ-વ્હિલર પર જઇ રહેલા નાખવે દંપતિને ટક્કર મારી મિહીર ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પ્રદિપ નાખવે ગંભીર રીતે જખમી થયા હતા જ્યારે તેમની પત્ની કાવેરીનો દુપટ્ટો ગાડીના વ્હિલમાં ફસાઇ ગયો હતો. ગાડીએ ટક્કર મારી ત્યારબાદ દંપતિ ગાડીના બોનેટ પર પછડાયા હોવા છતાં મિહીરે ગાડી રોકી નહોતી. પ્રદીપ ગાડી પરથી નીચે પટકાઇ ગયા હતા, પરંતુ કાવેરીનો દુપટ્ટો ગાડીના પૈડાંમાં ફસાઇ જતા તે લાંબે સુધી ઢસડાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
નાખવે કુટુંબે આદિત્ય ઠાકરે પાસે આરોપીને કડક સજા મળે તેવી ખાતરી કરવાની માગણી કરી હતી. આદિત્ય ઠાકરેએ આ અંગે જણાવ્યું હતું કે મારી પાસે બોલવા માટે શબ્દ નથી. આ એક પ્રકારનું મર્ડર જ છે. નરકના રાક્ષસ ધરતી પર આવે તો પણ આવું કામ ન કરી શકે. આટલો બેકાર હિટ એન્ડ રન કેસ મુંબઈમાં થયો હોવાનું આદિત્યએ જણાવ્યું હતું.
બોરીવલીમાં વર્કીંગ જર્નલિસ્ટને ગાડીએ ટક્કર મારી
બોરીવલીના સાંઇબાબા નગરમાં રહેતા વર્કીંગ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર રાવલ સવારે વૉક પર જઇ રહ્યા હતા ત્યારે સફેદ રંગની સ્વિફ્ટ ગાડીએ તેમને ટક્કર મારી હતી, જેને પગલે તે ગંભીર રીતે જખમી થયા હતા. આ ઘટના બાદ આરોપી કલ્પેશ જયચંદ મકવાણા પોતાની ગાડીથી કોને અકસ્માત થયો તે જોવાની તસ્દી લીધા વિના ચાલ્યા ગયા હતા. આ ઘટનામાં 61 વર્ષીય ધર્મેન્દ્ર રાવલને માથા, જડબા, પગ અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. આ મામલે બોરીવલી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની ગાડી જપ્ત કરી હતી.
Also Read –