આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેમાં ચેતવણી વિના ડેમનું પાણી છોડતા પૂર આવ્યાનો આદિત્ય ઠાકરેનો આરોપ

મુંબઈ: નાગરિકોને ચેતવણી આપ્યા વિના કે અગાઉથી જાણકારી આપ્યા વિના ખડકવાસલા ડેમમાંથી પૂરના પાણી છોડવામાં આવતા સિંહગઢ અને પુણેના લોકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરી નુકસાન વેઠવું પડ્યું હોવાનો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો હતો.

ઉદ્ધવ જૂથના શિવસેનાના વિધાનસભ્ય આદિત્યએ મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવશે તો પૂરની પરિસ્થિતિ નિર્માણ કરવા માટે જવાબદાર પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી હતી.

25 તારીખે પુણે જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિંહગઢ ખાતે મુથા નદી નજીક આવેલા અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

સરકારે આપેલા વળતરની ટીકા કરતા આદિત્યએ કહ્યું હતું કે જાણ કર્યા વિના ડેમમાંથી પ્રચંડ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા રહેવાસીઓ રોષે ભરાયેલા છે. પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું. મને શંકા છે કે સરકારે આપેલા આર્થિક વળતરથી લોકોને થયેલા નુકસાનની ભરપાઇ થઇ શકશે.

રાજ્ય સરકાર પુણેમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કોપી-પેસ્ટ મોડેલ હોવાની ટીકા પણ આદિત્યએ કરી હતી. આદિત્યએ કાયમી ઉપાયની વાત કરતા સવાલ પૂછ્યો હતો કે નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને જાહેરાતો કરે છે, પરંતુ સમસ્યાના કાયમી ઉપાયનું શું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button