ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ અદાણી જૂથ જ કરશે: હાઈ કોર્ટનું ગ્રીન સિગ્નલ…
મુંબઈ: મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અદાણી ગ્રુપની કંપનીને આપવામાં આવેલા ટેન્ડરને બોમ્બે હાઈ કોર્ટે આજે માન્ય રાખ્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે આ નિર્ણયમાં કોઈ ‘મનસ્વીપણું, ગેરવાજબીપણું કે વિકૃતિ’ નથી.
હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે યુએઈ સ્થિત સેક્લિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. એ અરજીમાં અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આ પ્રોજેક્ટ એનાયત કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
સેકલિંક ટેક્નોલોજીસ 2018માં આ પ્રોજેક્ટ માટે સૌથી ઊંચી બોલી લગાવનાર તરીકે ઊભરી આવી હતી, પરંતુ તે વર્ષે બહાર પાડવામાં આવેલા ટેન્ડરને પાછળથી સરકારે રદ કરી દીધું હતું. ખંડપીઠે નોંધ્યું હતું કે કંપનીની અરજી દમ ધરાવતી નથી એટલે એને ફગાવી દેવામાં આવે છે.
આ પણ વાંચો : લોકસભામાં રવિન્દ્ર વાયકરની જીતને રદ કરવાની અમોલ કીર્તિકરની અરજી હાઇ કોર્ટે ફગાવી
અદાણી ગ્રુપ મધ્ય મુંબઈના 259 હેક્ટર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું હતું અને 2022ની ટેન્ડર પ્રક્રિયામાં 5,069 કરોડ રૂપિયાની ઓફર સાથે ટેન્ડર મેળવ્યું હતું.
વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલા પ્રથમ ટેન્ડરમાં અરજદાર કંપની (સેકલિંક ટેક્નોલોજીસ) તેની 7,200 કરોડ રુપિયાની ઓફર સાથે સૌથી ઊંચી બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી હતી. જોકે, સરકારે 2018નું ટેન્ડર રદ કરી દીધું હતું અને વધારાની શરતો સાથે 2022માં નવું ટેન્ડર બહાર પાડ્યું હતું.
સેક્લિંક ટેક્નોલોજીઓએ સૌ પ્રથમ 2018ના ટેન્ડરને રદ કરવાના અને ત્યારબાદ અદાણી જૂથને 2022નું ટેન્ડર આપાવના નિર્ણયને પડકાર્યો હતો. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નવું ટેન્ડર અદાણી જૂથને અનુકૂળ રહે એ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)