થાણેમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ અભિનેત્રીની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં સેક્સ રેકેટ ચલાવવા અને ઉભરતી મહિલા કલાકારોને દેહવ્યાપારમાં ધકેલવા બદલ 41 વર્ષની અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી.
સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે બે બોગસ ગ્રાહક તૈયાર કર્યા હતા, જેમણે બાદમાં આરોપી અનુષ્કા મોની મોહન દાસનો સંપર્ક સાધ્યો હતો.
આપણ વાંચો: ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: ગુજરાતના વેપારીઓ સહિત 29 ઝડપાયા
અનુષ્કાએ બંનેને બુધવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા વિસ્તારમાં મૉલ નજીક મળવા માટે બોલાવ્યા હતા.
દરમિયાન પોલીસ ટીમે ત્યાં અગાઉથી છટકું ગોઠવ્યું હતું અને બંને બોગસ ગ્રાહક પાસેથી રૂપિયા લેતી વખતે અનુષ્કાને રંગેહાથ પકડી પાડી હતી.
પોલીસે ત્યાંથી બે યુવતીનો પણ છુટકારો કરાવ્યો હતો, જેઓ ટીવી સિરિયલ અને બાંગ્લા સિનેમામાં સક્રિય હતી, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (મીરા-ભાયંદર વસઇ-વિરાર) મદન ભલ્લાળે જણાવ્યું હતું.
અનુષ્કા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છોડાવાયેલી બંને યુવતીને બાદમાં મહિલા સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી, એમ ભલ્લાળે વધુમાં જણાવ્યું હતું.