અભિનેતાને મુખ્ય પ્રધાનના કાફલાનો પીછો કરવાનું પડ્યું ભારે

મુંબઈ: ટોલ ન ભરવો પડે તેની માટે નિતનવાં અટકચાળાં કરનારા કે નવી નવી તરકીબો શોધનારા વિશે આપણે ઘણી વખત સાંભળ્યું હશે અને ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કરતા લોકોના વીડિયો પણ આપણે જોયા હશે. જોકે મુંબઈમાં 30 વર્ષના એક અભિનેતાએ બાંદ્રા-વરલી સી-લિંક પર ટોલ ન ભરવા માટે જે કર્યું તેના કારણે તેણે પોલીસના હાથે ચઢવાનો વારો આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો બાંદ્રા-વરલી સી-લિંક પરથી પસાર થવાનો હતો ત્યારે શુભમ કુમાર નામના અભિનેતાએ શિંદેની કારના કાફલાનો પીછો કર્યો હતો અને પોતાની કાર તેમના કાફલા સાથે જ હોવાનો ભાસ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી તેણે ટોલ ન ભરવો પડે. તેણે મુખ્ય પ્રધાનનો કાફલો ટોલ-ફ્રી વીઆઇપી (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) લૅનમાં જઇ રહ્યો હતો તેની પાછળ પોતાની કાર ચલાવી હતી. ફરજ પર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તેણે પોતાની કાર ઊભી રાખી નહોતી. જેને પગલે તેને વરલી ખાતે આંતરીને તેની અટક કરવામાં આવી હતી અને બાંદ્રા પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. બાંદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન ટોલ ન ચૂકવવો પડે એ માટે તેણે આ કારસ્તાન કર્યું હોવાની વાત કબૂલી હતી. પોલીસે બેદરકારી પૂર્વક વાહન ચલાવવા સહિતની ભારતીય દંડસંહિતાની તેમ જ સંબંધિત મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત શુભમ કુમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે સમયે આ ઘટના બની ત્યારે શિંદે પોતાના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે પાછા ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતું.