અભિનેતાના બંગલોમાંથી દાગીના સહિત 1.37 કરોડની મતા ચોરનારા રીઢા આરોપીની ધરપકડ

મુંબઈ: અંધેરીમાં અભિનેતા અભિમન્યુ સિંહના બંગલોમાંથી ઘરેણાં અને રોકડ સહિત 1.37 કરોડ રૂપિયાની મતાની ચોરીનો કેસ ઓશિવરા પોલીસે ઉકેલી કાઢીને રીઢા આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મનોજ મોહન રાઠોડ તરીકે થઇ હોઇ તેની પાસેથી 1.26 કરોડ રૂપિયાની મતા જપ્ત કરાઇ હતી. આરોપી વિરુદ્ધ વર્સોવા અને ઓશિવરા પોલીસ સ્ટેશનમાં 14થી વધુ ગુના દાખલ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર અંધેરી પશ્ર્ચિમ સ્થિત લોખંડવાલામાં મેગ્નમ ટાવર ખાતે અભિનેતાના બંગલોમાં 29 ડિસેમ્બર, 2025ની રાતના ચોરી થઇ હતી. અભિમન્યુની 82 વર્ષની માતાએ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : 4.61 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ટીવી પર્સનાલિટી જય દુધાનેની ધરપકડ…
અભિમન્યુની માતા 29 ડિસેમ્બરે પુત્રવધૂ સાથે બહાર ગઇ હતી. સાંજે તેઓ પાછા ફર્યા હતા અને રાતે જમ્યા બાદ સૂઇ ગયા હતા. મોડી રાતે માતા જાગી જતાં તેને બેડરૂમમાં અવાજ સંભળાયો હતો. આથી તે જોવા માટે ત્યાં ગઇ ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. બીજી તરફ બાથરૂમની બારી પણ ખૂલેલી હતી. થોડા સમય બાદ વૃદ્ધા પાછી સૂવા જતી રહી હતી.
બીજે દિવસે સવારે તેણે આની જાણ પુત્રવધૂને કરી હતી. આથી પુત્રવધૂએ બેડરૂમમાં જઇ તપાસ કર્યા બાદ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ ગુનામાં સંડોવાયેલા મનોજ રાઠોડને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. ચોરેલી અમુક મતા તેણે પોતાના ઘરમાં, તો અમુક ઝવેરી પાસે રાખી હતી, જે બાદમાં જપ્ત કરાઇ હતી.



