આમચી મુંબઈ

સાકીનાકા પોલીસની લખનઊમાં કાર્યવાહી:

મેફેડ્રોન બનાવવાના કારખાનાનો પર્દાફાશ: 10 કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઈ: મુંબઈની સાકીનાકા પોલીસે ઉત્તર પ્રદેશના લખનઊમાં કાર્યવાહી કરીને મેફેડ્રોન બનાવવાનું કારખાનું પકડી પાડ્યું હતું. પોલીસે ત્યાંથી 10 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી બે જણની ધરપકડ કરી હતી. મુંબઈમાં પકડાયેલા ડ્રગ પેડલરની પૂછપરછ પરથી પગેરું દબાવતા પોલીસ ટીમ કારખાના સુધી પહોંચી હતી.

એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) 31 ડિસેમ્બરે અંધેરી પૂર્વના સાકીનાકા વિસ્તારમાં કાજુપાડા પાઇપલાઇન નજીક છટકું ગોઠવી ઇસરાઇલ અબ્દુલ સુભાન શેખને ઝડપી પાડ્યો હતો. ઇસરાઇલ સાયન ધારાવીનો રહેવાસી છે. ઇસરાઇલની પૂછપરછમાં ધારાવીના જસીમ ઉર્ફે ચીકુ શકીલ શેખ અને શિવડીના પ્રદીપ વીરેન્દ્ર હરિજન નામના ડ્રગ પેડલરનાં નામ સામે આવ્યા બાદ અલગ-અલગ સ્થળેથી તેમની ધરપકડ કરાઇ હતી.

આરોપીઓએ પૂછપરછમાં આપેલી માહિતીને આધારે તેમના સૂત્રધાર વિશે તપાસ કરતાં તે નવથી વધુ સિમકાર્ડ અને ત્રણ મોબાઇલ વાપરતો હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉત્તર પ્રદેશના લખનઊમાં હોવાની પણ માહિતી મળી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્યાં રવાના થઇ હતી અને સાત દિવસ સુધી ધામા નાખીને નજર રાખી હતી. પોલીસે આઝમગઢ, વારાણસી, મિરઝાપુર અને સુલતાનપુર સુધી પીછો કર્યા બાદ તેને લખનઊથી તાબામાં લીધો હતો.

આ પણ વાંચો…માઘી ગણેશોત્સવમાં પીઓપી મૂર્તિનું વિસર્જન થઈ શક્યું નહીં, જાણો કેમ?

આરોપીની ઓળખ મહંમદ ગૌસ ઉર્ફે મોનુ ઇદ્રિસી તરીકે થઇ હતી. ઇદ્રિસીની પૂછપરછ કર્યા બાદ પોલીસ ટીમે લખનઊના ગૌમતીનગરમાં રહેતા અખિલેશ પ્રતાપ સિંહને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ પોલીસને બાદમાં લખનઊના ગોસિયાગંજ ખાતેના શિવલાર ચૌરાહા ખાતે ડ્રગ્સ બનાવતા કારખાના સુધી દોરી ગઇ હતી. પોલીસે એ કારખાનામાં રેઇડ પાડીને 10.18 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button