આમચી મુંબઈ

આજથી કાર્યવાહી પોલીસ એલર્ટ

મરાઠી પાટિયાં

મુંબઇ: દુકાનો અને સંસ્થાઓની નેમ પ્લેટ (બોર્ડ) મરાઠી ભાષામાં લગાવવાના આદેશ બાદ વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. પોલીસ હેડક્વાર્ટર સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે પાલિકાએ મરાઠી બોર્ડ લગાવવા અંગે પોતાની કાર્યવાહી શરૂ કરશે, પરંતુ કેટલાક રાજકીય પક્ષો પહેલેથી જ સક્રિય થઇ ગયા છે. તેને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસ પણ સતર્ક છે. પોલીસને ડર છે કે બોર્ડ લગાવવાને લઈને રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો સાથે ઘર્ષણ થઈ શકે છે. કુર્લામાં એક શોરૂમમાં મરાઠી
ભાષામાં બોર્ડ ન હોવાને કારણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ કથિત રૂપે બોર્ડને કાળો રંગ લગાવ્યો હતો અને સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઉપરાંત વિક્રોલી, અસલ્ફા, શિવાજી પાર્ક વગેરે સ્થળોએ પણ છૂટાછવાયા બનાવો નોંધાયા હતા.
જોકે પોલીસે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈની સામે કોઈ ગંભીર ગુનો નોંધાયો નથી. ચોક્કસ સમુદાયના વિસ્તારમાં કેટલીક દુકાનો પરથી બોર્ડ ઉખડી ગયાના સમાચાર પણ છે. મુંબઈ પોલીસે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે. આ પહેલા પણ મરાઠી બોર્ડને લઈને દહિંસર ચેકપોસ્ટ પર સ્થાનિક દુકાનદારો અને રાજકારણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

હજી ૨૦ ટકા દુકાનોનાં પાટિયાં મરાઠીમાં નથી
મુંબઇ: દુકાનોના નામના બોર્ડ મરાઠીમાંં લગાવવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈમાં લગભગ પાંચ લાખ સંસ્થાઓ છે, જેમાં દુકાનો, ઓફિસો, હોટલ, ક્લિનિકનો સમાવેશ થાય છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૮૦ ટકા સંસ્થાઓએ મરાઠી નેમપ્લેટ લગાવી છે અને ૨૦ ટકા સંસ્થાઓએ નેમપ્લેટ લગાવી નથી.
ગયા વર્ષે માર્ચ ૨૦૨૨ માં, તત્કાલીન રાજ્ય સરકારે તમામ દુકાનોમાં મરાઠી સાઇનબોર્ડ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. ’ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ’એ મરાઠી બોર્ડની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ સંગઠને છ મહિનાનો સમય વધારવાની માંગણી કરી હતી. પરંતુ પાલિકાએ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. આ સમયમર્યાદા પછી પણ ઘણા દુકાનદારોએ મરાઠી બોર્ડ લગાવ્યા ન હતા. તે પછી, દુકાનદારોના સંગઠને ગયા વર્ષે ઓક્ટોબર ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટને કાર્યવાહી રોકવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી. દુકાનદારોએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે મરાઠી બોર્ડ અને ચોક્કસ કદના અક્ષરો પર દબાણ ન કરવું જોઈએ, અભિવ્યક્તિની સ્વતંત્રતા ધ્યાનમાં લેવી જોઈએ, પરંતુ દુકાનદારોની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના યોજાયેલી સુનાવણી દરમિયાન અરજદારોને દુકાનો અને સંસ્થાઓની નેમપ્લેટ મરાઠીમાં લખવા માટે બે મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયગાળો ૨૫મી નવેમ્બર ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ ગયો છે અને જો દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી દેવનાગરી લિપિમાં નામના બોર્ડ નહીં હોય તો મંગળવારથી કાર્યવાહી કરવામાં આવશે. આ હેતુ માટે, ૨૪ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. તેમને કાર્ય કરવાની સત્તા આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button