મલેરિયા, ડેન્ગ્યૂને નાથવાનો ઍક્શન પ્લાન મચ્છરોની ઉત્પત્તિ રોકવા વોર્ડ સ્તરે ટીમ તૈયાર કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ડેન્ગ્યૂ અને મલેરિયાનો કેસમાં સતત વધારો થવાથી મુંબઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે અને મચ્છરોની ઉત્પત્તી સ્થળોને નષ્ટ કરવા માટે પ્રશાસને તમામ 24 વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને વોર્ડ સ્તરે જોઈન્ટ ટીમ તૈયાર કરીને પ્રભાવી ઉપાયયોજના અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી મલેરિયા અને ડેન્ગ્યૂના દર્દી વધી ગયા છે. આ બંને બીમારીઓ મચ્છરને કારણ ફેલાય છે. તેમાંથી મલેરિયા એ એનોફિલીસ' મચ્છરને કારણે તો ડેન્ગ્યૂનો ફેલાવો
એડિસ’ મચ્છરને કારણે થાય છે. જો યોગ્ય પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવે તો મચ્છરની ઉત્પત્તી રોકી શકાય છે. મુંબઈના સાર્વજનિક ઠેકાણે વરસાદના ભરાઈ ગયેલા પાણીને કારણે ઉદ્ભવતી મલેરિયા અને ડેન્ગ્યૂ જેવી બીમારીને નાથવા માટે વિશેષ શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ શોધ ઝુંબેશ હેઠળ પાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગે જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધીના છેલ્લા નવ મહિનામાં 1,06,898 ડેન્ગ્યૂ અને મલેરિયા મચ્છરના ઉત્પત્તી સ્થળો નષ્ટ કર્યા છે. તો નાગરિકોને પણ તેમના સ્તર પર ઘર અને સોસાયટી પરિસરમાં મચ્છરના ઉત્પત્તી સ્થળો નષ્ટ કરવાની અપીલ પ્રશાસને કરી છે.
ડેન્ગ્યૂ અને મલેરિયા જેવી બીમારી પર પ્રતિબંધ લાવવા માટે પાલિકાએ નાગરિકોને પણ તેમના ઘરને પરિસરને સ્વચ્છ રાખવાની અપીલ કરી છે. તો પાલિકાના એડિશનલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ પણ તમામ આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડમાં મચ્છરની ઉત્પત્તીના સ્થળ નષ્ટ કરવા માટે જોઈન્ટ ટીમ તૈયાર કરીને ઉપાયયોજના અમલમાં મૂકવાની સૂચના આપી છે. તેમ જ ઝુંપડપટ્ટી અને અન્ય વિસ્તારમાં મચ્છરની ઉત્પત્તી થવા માટે કારણભૂત રહેલા જૂના ટાયર, પાણીની ટાંકીઓ, પ્લાસ્ટિક કંટેરનર જેવી વસ્તુ હટાવવા માટે ઍક્શન પ્લાન પણ અમલમાં મૂકવાની તેમણે સૂચના આપી છે.
મોબાઈલ પર ઍપ ડાઉનલોડ કરો
ઘર અથવા ઘરની આજુબાજુના પરિસરમાં મચ્છરની ઉત્પત્તી થાય નહીં તે માટે નાગરિકોને યોગ્ય કાળજી લેવા કહ્યું છે. લોકોમાં જનજાગૃતિ લાવવા માટે પણ પાલિકાએ કમર કસી છે. તો નાગરિકોને પોતાના મોબાઈલમાં `મુંબઈ અગેન્સ્ટ ડેન્ગ્યૂ ‘ આ ઍપ ડાઉનલોડ કરવાની વિનંતી પાલિકાએ કરી છે. આ ઍપના માધ્યમથી મચ્છરની ઉત્પત્તીના ઠેકાણે અને જે તકેદારી લેવાની હોય તેની માહિતી મળશે. તેથી મચ્છરની ઉત્પત્તીના નિયંત્રણ રાખવામાં અને ડેન્ગ્યૂની ઉત્પત્તી પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે એવો પાલિકાએ દાવો કર્યો છે.