અફવા ફેલાવનારા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી: ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા વીડિયો-મેસેજ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રોમ્બે અને સાંતાક્રુઝથી ત્રણ જણને પકડી પાડ્યા હતા.
મીરા રોડના નયા નગરમાં બનેલી ઘટના બાદ સોશિયલ મીડિયા પર એડિટ કરેલા વીડિયો તેમ જ ખોટા મેસેજ વાયરલ થયા હતા. આ વીડિયો-મેસેજ ઉશ્કેરણીજનક હોવાથી તેનાથી અફવા ફેલાવાની શક્યતા હતી. અફવાને કારણે તંગદિલીભર્યું વાતાવરણ નિર્માણ ન થાય તે માટે પોલીસે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી.
ટ્રોમ્બે પોલીસના જણાવ્યા મુજબ બુધવારે વ્હૉટ્સઍપ ગ્રૂપ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રોમ્બેના ચિતા કૅમ્પ પરિસરમાં રહેતા ઈરફાન શેખ (30) અને વિજય સાંડગે (42)ને તાબામાં લેવાયા હતા. બીજી બાજુ, વાકોલા પોલીસે પણ એક શખસને તાબામાં લીધો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.