થાણે સ્ટેશને રેલવે ટ્રેક ક્રોસિંગ કરતાં હજારથી વધુ સામે કાર્યવાહી
થાણે: રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થતાં જીવલેણ અકસ્માતો રોકવા રેલ્વે પ્રશાસન તેમજ પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે. તેમ છતાં હજુ પણ થાણે અને નજીકના સ્ટેશન વિસ્તારોમાં મુસાફરો દ્વારા પાટા ઓળંગવાનું ચિત્ર જોવા મળે છે. થાણે રેલવે પોલીસે છેલ્લા ૧૧ મહિનામાં રેલવે ટ્રેક ઓળંગનારા ૧,૧૦૭ મુસાફરો સામે દંડનીય કાર્યવાહી કરી છે. તેમજ વિકલાંગ કોચમાં ગેરકાયદે મુસાફરી કરનારા ૨,૬૫૬ મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
થાણે સ્ટેશન પરથી દરરોજ પાંચથી છ લાખ મુસાફરો મુસાફરી કરે છે. સ્ટેશન પર મુસાફરોની સેવા માટે કુલ પાંચ ફૂટ- ઓવર બ્રિજ છે. આ બ્રિજ પર સવાર-સાંજ ભારે ભીડ રહે છે. આ ભીડથી બચવા માટે ઘણા લોકો પાટા ઓળંગીને અન્ય પ્લેટફોર્મ પર જાય છે.
રેલવે ટ્રેક ક્રોસિંગની સંખ્યા ઘટાડવા માટે થાણે રેલ્વે સુરક્ષા દળે આ મુસાફરો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. પહેલી જાન્યુઆરીથી ૨૮ નવેમ્બર દરમિયાન ૧,૧૦૭ મુસાફરો સામે લાઇન ક્રોસ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટ્રેનોમાં દિવ્યાંગો માટે ખાસ ડબ્બો હોય છે. ઘણીવાર સામાન્ય મુસાફરો આ કોચમાં ગેરકાયદે મુસાફરી કરે છે. જાન્યુઆરીથી નવેમ્બરના અંત સુધીમાં વિકલાંગ કોચમાં મુસાફરી કરતા ૨,૬૫૬ મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.