થાણેમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: આરોપીને સાત વર્ષની કેદ
થાણે: થાણેમાં 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના કેસમાં વિશેષ અદાલતે આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
સ્પેશિયલ જજ ડી. એસ. દેશમુખે સોમવારે વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતા આરોપીને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપીને સાત વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. દંડની રકમ વળતર તરીકે પીડિતને ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
વિશેષ સરકારી વકીલ વિવેક કડુએ કોર્ટમાં જણાવ્યું હતું કે બાળક અને આરોપી એક જ વિસ્તારમાં રહેતા હતા. 15 માર્ચથી 17 માર્ચ, 2018 દરમિયાન ચૉકલેટની લાલચ આપીને અલગ અલગ સ્થળે લઈ જઈ આરોપીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
ફરિયાદને આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 377 અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. (પીટીઆઈ)