મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં એપ્રિલ, ૨૦૧૭માં ૪૬ વર્ષની મહિલા અને બે વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટીને તેમને જીવતી સળગાવી દેનારા આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
સેશન્સ કોર્ટે આરોપી દીપક બીરબહાદુર જાટને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ દોષી ઠેરવ્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર બાંદ્રા પશ્ર્ચિમમાં રહેતી અમરાવતી હરિજન (૪૬)નો આરોપી સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આરોપીના મનમાં રોષ હતો. ૧૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ અમરાવતી તેની પુત્રી સાથે બ્રેસ્લેટ બનાવી રહી હતી, જ્યારે પડોશમાં રહેતી કાંતા અને તેની બે વર્ષની પુત્રી નજીકમાં બેઠી હતી.
એ સમયે આરોપી ત્યાં આવ્યો હતો અને તેણે અમરાવતી ઉપરાંત કાંતા અને તેની પુત્રી પર પણ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. આ ઘટનામાં અમરાવતી અને કાંતાની બે વર્ષની પુત્રીનાં મોત થયાં હતાં, જ્યારે કાંતા દાઝી ગઇ હતી. બાંદ્રા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બીજે દિવસે આરોપીની ધરપકડ કરી હતી.