કોપર્ડી બળાત્કાર-હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા આરોપીએ જેલમાં કર્યો આપઘાત
પુણે: મહારાષ્ટ્રના કોપર્ડી ખાતે ૨૦૧૬માં બળાત્કાર બાદ સગીરાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા આરોપીએ પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં રવિવારે સવારના આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપી જિતેન્દ્ર બાબુલાલ શિંદે (૩૨) સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને તેણે જેલની સેલમાં લોખંડના સળિયા સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જેલના ગાર્ડને રવિવારે સવારે જિતેન્દ્ર શિંદે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આથી તેણે અન્ય ગાર્ડને તેની જાણ કરી હતી.
યેરવડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શિંદેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
કોપર્ડી ગામમાં ૨૦૧૬માં પંદર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવા બદલ અહમદનગરની સેશન્સ કોર્ટે શિંદે સહિત સંતોષ ગોરખ ભવાલ અને નીતિન ગોપીનાથ ભૈલુમેને દોષી ઠેરવીને સજા ફટકારી હતી. ૧૩ જુલાઇ, ૨૦૧૬ના રોજ કોપર્ડી ગામમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ સગીરાના આખા શરીર પર ઇજા પહોંચાડી હતી અને અને ગળું દબાવતા પહેલાં તેના અંગો તોડી નાખ્યા હતા. સગીરા મરાઠા સમુદાયની હતી. આ ઘટનાને કારણે મરાઠા સમુદાયમાં રોષ ફેલાયો હતો અને તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. (પીટીઆઇ)