આમચી મુંબઈ

‘મોમો’નો સ્ટૉલ શરૂ કરવા રેકોર્ડ પરના આરોપીએ વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી

થાણે: જેલમાંથી છૂટ્યા પછી ‘મોમો’નો સ્ટૉલ શરૂ કરવા નાણાંની જરૂર હોવાથી રેકોર્ડ પરના આરોપીએ વૃદ્ધાની હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લાના કલ્યાણ નજીક બની હતી.

પોલીના જણાવ્યા મુજબ 20 માર્ચે રંજના પાટેકર (60)નો મૃતદેહ તેના આંબિવલીના ઘરમાંથી મળી આવ્યો હતો. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ આરોપી અકબર મુહમ્મદ શેખ ઉર્ફે ચાંદ (30)ની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટનાની સાંજે આરોપી ચાંદે પાટેકરના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો અને પીવાનું પાણી માગ્યું હતું. પાણી લેવા પાટેકર ઘરમાં ગઈ ત્યારે આરોપી પણ તેની પાછળ ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં વૃદ્ધા એકલી હોવાનું જોઈ આરોપીએ તેનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: સાસુની નિર્દયતાથી હત્યા કરી ફરાર થયેલી પુત્રવધૂ પરભણીમાં પકડાઈ

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઘરમાં ટીવીનો અવાજ મોટો કર્યો હતો, જેથી વૃદ્ધાની મદદ માટેની બૂમો કોઈ સાંભળી ન શકે. બાદમાં ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરી હતી. હત્યા પછી આરોપી એક લાખ રૂપિયાના મૂલ્યની સોનાની ઈયરિંગ્સ લૂંટી આરોપી ફરાર થઈ ગયો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેન્ડેએ જણાવ્યું હતું કે ખડકપાડા પોલીસ સ્ટેશનના એક કેસમાં ચાંદ આધારવાડી જેલમાં બંધ હતો. આઠ મહિના અગાઉ જ તે જેલમાંથી બહાર આવ્યો હતો. બહાર આવ્યા પછી તેની પાસે કોઈ કામ નહોતું એટલે તે મોમોનો સ્ટૉલ શરૂ કરવા માગતો હતો. સ્ટૉલ શરૂ કરવા નાણાંની જરૂર હોવાથી તેણે ગુનો આચર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

ચાંદની અટાલી વિસ્તારમાંથી શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી લૂંટેલી ઈયરિંગ્સ હસ્તગત કરવામાં આવી હતી, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અમરનાથ વાઘમોડેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button