આમચી મુંબઈ

કાંદિવલીમાં ચાર વર્ષના બાળકની હત્યા: આરોપી સુરતમાં પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: કાંદિવલીમાં નાની સાથે સૂતેલા ચાર વર્ષના બાળકનું કથિત અપહરણ બાદ તેની હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી ગુજરાતના સુરત શહેરમાં પકડાયો હતો. કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અક્ષય અશોક ગરુડ (25) તરીકે થઈ હતી. મલાડના ગૌતમ બુદ્ધ માર્ગ ખાતે રહેતો આરોપી બાળકના પરિવારનો પરિચિત છે અને છેલ્લાં ત્રણ વર્ષથી કે બાળકની દેખભાળ પણ કરતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ચાર વર્ષનો અંશ અન્સારી કાંદિવલી પશ્ચિમમાં ઈરાની વાડીમાં ફૂટપાથ પર ઝૂંપડામાં રહેતી નાની સાથે સૂતો હતો. 22 માર્ચના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ ગરુડ તેને પોતાની સાથે લઈ ગયો હતો. અડધો કલાક પછી બાળકના મૃતદેહને ઘરથી થોડે અંતરે કન્સ્ટ્રકશન સાઈટ નજીક ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો.

બાળકની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈ કાંદિવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કૅમેરામાં આરોપી ઝડપાઈ ગયો હતો. ફૂટેજને આધારે અંશની નાનીએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની છ ટીમ બનાવવામાં આવી હતી.

કાંદિવલી, બોરીવલી, મલાડ, અંધેરી, સાંતાક્રુઝ, વિરારથી સુરત સુધીના 200 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસે આરોપીને સુરતમાં પકડી પાડ્યો હતો. તાબામાં લેવાયેલા આરોપીને મુંબઈ લાવી તેની ધરપકડ કરાઈ હતી.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મળસકે ત્રણ વાગ્યે તે બાળકને નવડાવવા લઈ ગયો હતો. નાહતી વખતે બાળકે શૌચક્રિયા કરી હતી. આરોપીએ બાળકના માથામાં ટપલી મારતાં તે જમીન પર પડી ગયો હતો.

આ પણ વાંચો : મુંબઈમાં પિતાનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગી: છ જણ ઝડપાયા

માથું જમીન સાથે પટકાવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો હતો. ડરી ગયેલો આરોપી બાળકના શબને રસ્તામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. બાળકનું શબ મળ્યું ત્યારે પોલીસને શંકા હતી કે ગળું દબાવીને કે પાણીમાં ડુબાડીને બાળકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ખાતરી થઈ હતી કે માથામાં ઇજાને કારણે બાળકે જીવ ગુમાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button