મધ્ય પ્રદેશમાં હત્યાના કેસમાં ફરાર આરોપી સાત વર્ષે મુંબઈમાં પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં હત્યા કરીને ફરાર થઈ ગયેલો આરોપી સાત વર્ષે દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર પરિસરમાંથી પકડાયો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ રાજારામ રામધાર તિવારી (35) તરીકે થઈ હતી. કટનીના વિજયરાઘવગડ તાલુકાના પિપરા ગામના વતની તિવારીને વધુ તપાસ માટે મધ્ય પ્રદેશની બરહી પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી તિવારી વિરુદ્ધ તેના જ ગામની એક વ્યક્તિનો આરોપ છે. તેની વિરુદ્ધ બરહી પોલીસ સ્ટેશનમાં 2018માં હત્યા અને ધમકીનો ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. બરહી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
આરોપી દક્ષિણ મુંબઈમાં સંતાયો હોવાની માહિતી બરહી પોલીસને તાજેતરમાં મળી હતી. આરોપીની શોધમાં સબ-ઈન્સ્પેક્ટર રિષભ સિંહ બઘેલ ટીમ સાથે મુંબઈ પહોંચ્યો હતો. આરોપીને પકડી પાડવા માટે મુંબઈ પોલીસની મદદ માગવામાં આવી હતી.
પાયધુની પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીને મસ્જિદ બંદરમાં પી ડિમેલો રોડ પરની એક હોટેલ નજીકથી પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલતાં તેને વધુ કાર્યવાહી માટે બરહી પોલીસને સોંપાયો હતો.



