ગેન્ગસ્ટરની પત્નીને ધમકી આપવા બદલ પકડાયેલો આરોપી હોસ્પિટલમાંથી ફરાર
પુણે: માર્યા ગયેલા ગેન્ગસ્ટર શરદ મોહોળની પત્ની સ્વાતિ મોહોળને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલા આરોપીને રવિવારે પુણેની હોસ્પિટલમાં તપાસ માટે લવાયો હતો ત્યારે તે ભાગી છૂટ્યો હતો.
સાયબર પોલીસે શુક્રવારે આરોપી માર્શલ લુઇસ લિલકર (24)ની ધરપકડ કરી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર મુન્ના પોળેકરના નામે સ્વાતિ મોહોળને ધમકી આપી હતી. પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી અને મેસેજ ટ્રેસ કર્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન આરોપી માર્શલે રવિવારે સવારે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કર્યા બાદ સાયબર પોલીસની ટીમ તેને તબીબી તપાસ માટે સસૂન હોસ્પિટલમાં લઇ આવી હતી. તેને આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)માં લવાયો હતો, જ્યાંથી તે ફરાર થઇ ગયો હતો.
આ પ્રકરણે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી હતી. (પીટીઆઇ)