નાલાસોપારામાં બે યુવકની હત્યાના કેસમાં નવ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં બે યુવકની હત્યાના કેસમાં છેલ્લા નવ મહિનાથી ફરાર આરોપીને પોલીસે શનિવારે ઝડપી પાડ્યો હતો.
નાલાસોપારાના શિર્ડીનગર વિસ્તારમાં 17 મે, 2023ના રોજ રૌનક અંજની તિવારી (18) અને કિશન સંજય ઝા (18)ની હત્યા કરવામાં આવી હતી, જ્યારે શિવમ ઓમપ્રકાશ મિશ્રા (20) આ ઘટનામાં ઘવાયો હતો.
આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે કહ્યું હતું કે પોલીસને આંશિક રીતે બળેલા બે મૃતદેહ મળી આવ્યા હતા, જેમના માથા પર ઇજાના નિશાન હતા. બંને મૃતક યુવક શિવમ મિશ્રાના મિત્ર હતા.
બંને યુવકની હત્યામાં શિવમ મિશ્રા સંડોવાયેલો હોવાની પોલીસને શંકા હતી. આથી પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી. દરમિયાન શિવમે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે પોલીસે તેની સામે મજબૂત કેસ રજૂ કર્યો હોવાથી કોર્ટે શિવમની જામીન અરજી ફગાવી દીધી હતી. શિવમ ત્યાર બાદ ગુમ થતાં તેની શોધ ચલાવાઇ હતી.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે આખરે શનિવારે શિવમને નાલાસોપારાથી ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)