મહારાષ્ટ્રમાં શાસક અને વિરોધ પક્ષના આરોપ-પ્રત્યારોપ
મહારાષ્ટ્રના ભાજપના વડા બાવનકુળેના મકાઉના પોકર ટેબલ પર વાઈરલ થયેલા ફોટાને કારણે ખળભળાટ
બાવનકુળેએ કેસિનોમાં ₹ ૩.૫ કરોડ ઉડાવ્યા: સંજય રાઉત
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે કઇ વ્હીસ્કી પીએ છે: ભાજપ
મુંબઈ: રાજ્યમાં ચૂંટણીને પગલે વિરોધ પક્ષના નેતાઓ અને શાસક પક્ષ વચ્ચે ચર્ચાઓ, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચાલી રહ્યા છે. એક તરફ સત્તાધારી પક્ષ વિરોધી પક્ષ પર જ્યારે વિરોધી પક્ષ સત્તાધારી પક્ષની ટીકા કરી રહ્યો છે. વિરોધ પક્ષને આવા જ એક મામલે સત્તાધારીઓની ટીકા કરવાનો મોકો મળી ગયો છે. મહારાષ્ટ્રના ભાજપના વડા બાવનકુલે મકાઉના પોકર ટેબલ પર બેસીને કેસિનો રમતા હોવાનો ફોટો વાઈરલ થયો હતો અને વિરોધી પક્ષે આ અંગે અનેક સવાલો ઊભા કર્યા હતા. સંજય રાઉતે તેની ટ્વિટમાં કહ્યું હતું કે ભાજપનો હિન્દુત્વવાદી ચહેરો કેસિનો રમે છે. આટલું જ નહીં બાવનકુલેએ કેસિનોમાં રૂ. ૩.૫ કરોડ ઉડાવ્યા હોવાનો પણ આરોપ સંજય રાઉતે કર્યો હતો. જોકે ભાજપે પણ વિરોધી પક્ષની ટીકા કરવામાં કસર નહોતી છોડી. બાવનકુલેને સમર્થન આપતાં ભાજપે એક ફોટો ટ્વિટ કરીને આદિત્ય ઠાકરેની ટીકા કરી હતી.
વર્લ્ડ કપની ફાઈનલ મુંબઈને સ્થાને અમદાવાદમાં રમાડવામાં આવી એ બાબતે વિરોધ પક્ષે કેન્દ્ર સરકારને સાણસામાં લીધી હતી. આ અંગે એવું પણ કહેવાઇ રહ્યું છે કે ક્રિકેટની રમતનું પણ રાજકારણ ખેલાવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી બાજુ ભાજપના મહારાષ્ટ્રના વડા ચંદ્રશેખર બાવનકુલે પરિવારજન સાથે મકાઉ ગયા હોવાનો તેમ જ કેસિનો ટેબલ પર જુગાર રમતા હોવાનો ફોટો વાઈરલ થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ આદિત્ય ઠાકરેની એક તસવીર ભાજપે પોસ્ટ કરી હતી. ફૂટબોલર ડેવિડ બેકહામના માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આદિત્ય ઠાકરેએ હાજરી આપી હતી અને તેઓ એક ગ્લાસ પકડીને ઊભા છે. ભાજપે એવો સવાલ કર્યો હતો કે તેઓ શું પી રહ્યા છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે બાવનકુલે કેસિનોમાં બેઠા હોવા અંગેનો ફોટો સોમવારે ઓનલાઈન પોસ્ટ કર્યો હતો અને મરાઠીમાં ટ્વિટ કર્યું હતું કે મહારાષ્ટ્રમાં આગ લાગી છે અને આ સજ્જન કેસિનોમાં જુગાર રમી રહ્યા છે. ફોટોને ઝૂમ કરવાનો પ્રયાસ કરો… શું તમને એકસમાન જણાય છે? હજી ચિત્ર આગળ આવવાનું બાકી છે…
ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે અને શાસક પક્ષ અને વિરોધી પક્ષ વચ્ચેની હુંસાતુંસી હવે સપાટી પર આવી ગઇ છે. ૧૯મી નવેમ્બરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવનકુલે મકાઉમાં કેસિનો ટેબલ પર જુગાર રમી રહ્યા હોવાનો અને તેમણે સાડાત્રણ કરોડ રૂપિયા વાપર્યા હોવાનો દાવો વિરોધી પક્ષે કર્યો હતો, જ્યારે ભાજપે પણ સોશિયલ મીડિયા પર રાઉતના સાથીદાર આદિત્ય ઠાકરેના હાથમાં ગ્લાસ સાથેનો ફોટો અપલોડ કરીને જવાબ આપ્યો હતો અને એવો સવાલ કર્યો હતો કે ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન કઇ બ્રાન્ડની વ્હીસ્કીનું સેવન રહ્યા છે.
બાવનકુળેએ સ્પષ્ટતા કરી
સંજય રાઉતે બાવનકુળેના કેસિનોમાં જુગાર રમતા હોવાનો ફોટો ટ્વિટ કર્યા બાદ બાવનકુલેએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ મકાઉની એક રેસ્ટોરાંમાં બેઠા હતા, જ્યાં આ ફોટો પાડવામાં આવ્યો હતો. અહીં કેસિનો પણ હતો. હું મારા પરિવાર સાથે મકાઉની એક હોટેલમાં રોકાયો હતો. આ હોટેલના ગ્રાઉન્ડફ્લોર પર એક રેસ્ટોરાં અને કેસિનો છે. રાત્રિ ભોજન બાદ જ્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો ત્યારે હું મારા પરિવાર સાથે રેસ્ટોરાંમાં બેઠો હતો. બાવનકુળેએ જોકે ત્યાર બાદ મકાઉની તેમની મુલાકાત બાદ ફોટા પણ મૂક્યા હતા. જેમાં તેઓ તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. ઉ
ભાજપ વહારે
ભાજપે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમારા રાજ્ય એકમના વડા બાવનકુળેએ તેમના જીવનમાં ક્યારે પણ જુગાર રમ્યો નથી. તેઓ તેમના પરિવાર સાથે મકાઉ ગયા હતા. રાઉત પર પ્રહાર કરતાં ભાજપે એવું પણ કહ્યું હતું કે જેમની જિંદગી આખી જુગાર બની ગઇ હોય તેમને બીજું કશું દેખાતું નથી. જોકે ભાજપે કહ્યું હતું કે આદિત્ય ઠાકરે કઇ બ્રાન્ડની વ્હીસ્કી પીએ છે?
વિકૃત માનસિકતા છે: ફડણવીસ
શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ મુદ્દો રાઉતની વિકૃત માનસિકતા અને નિરાશા દર્શાવે છે. ઉ
વડા પ્રધાન જે પીણું પી રહ્યા હતા એ જ આદિત્ય ઠાકરે પીધું હતું: રાઉત
ભાજપે તેમના રાજ્યના વડા બાવનકુલે પર સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના વળતા જવાબમાં આદિત્ય ઠાકરે એક કાર્યક્રમમાં એક ગ્લાસ સાથે જોવા મળી રહ્યા છે એવો સવાલ પૂછ્યો હતો. આ અંગે સંજય રાઉતે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે પીણું પી રહ્યા હતા એ જ પીણું આદિત્ય ઠાકરે પી રહ્યા હતા.