સુપરસ્ટાર સલમાન ખાનના બનેવીની કારને નડ્યો અકસ્માત
‘નો એન્ટ્રી’માં સામેથી આવેલી કારે મારી ટક્કર: ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી અને ફિલ્મ અભિનેતા આયુષ શર્માની કારને ખાર પરિસરમાં અકસ્માત નડ્યો હતો. નશામાં ચૂર આરોપી ડ્રાઈવરે ‘નો એન્ટ્રી’માં કાર ચલાવી શર્માની કારને ટક્કર મારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ખાર પોલીસે પકડી પાડેલા ડ્રાઈવરની ઓળખ પરવીન્દરજીત સિંહ (35) તરીકે થઈ હતી. અકસ્માતમાં શર્માના કાર ડ્રાઈવર અરમાન મેહંદી હસન ખાન (31)ને માથા અને જમણા પગમાં ઇજા થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારે બની હતી. જોકે ઘટના સમયે અભિનેતા શર્મા કારમાં નહોતો. કારમાં માત્ર તેનો ડ્રાઈવર ખાન હતો અને અકસ્માતને કારણે કારને ખાસ્સું નુકસાન થયું હતું.
શર્માનો ડ્રાઈવર રોડ નંબર-16થી બાન્દ્રા તરફ જઈ રહ્યો હતો ત્યારે ખાર જિમખાના નજીક સામેથી નો એન્ટ્રીમાં પૂરપાટ વેગે કાર આવી હતી. સામેથી આવેલી કારે શર્માની કારને ટક્કર મારી હતી. ઘટના બાદ નશામાં ચૂર આરોપી ડ્રાઈવર સિંહે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
આ પ્રકરણે હસન ખાને નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 અને 337 તેમ જ મોટર વેહિકલ ઍક્ટની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.
2018માં આવેલી ફિલ્મ ‘લવયાત્રી’થી બોલિવૂડમાં તેને લોકપ્રિયતા મળી હતી. છેલ્લે 2021માં આવેલી ‘અંતિમ’ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો. (પીટીઆઈ)