દશેરા મેળા માટે નિકળેલા શિંદે જૂથના શિવસૈનિકોને નડ્યો અકસ્માત: એકનું મોત ત્રણને ઇજા

સાંગલી: આખા દેશમાં આજે લોકો દશેરાની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે. મુંબઇમાં પણ દશેરા મેળા માટે ઠાકરે અને શિંદે જૂથ દ્વારા પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથ શિવાજી પાર્કમાં દશેરાની ઉજવણી કરશે જ્યારે શિંદે જૂથ દ્વારા આઝાદ મેદાન ખાતે દશેરાની ઉજવણી થશે.
એક તરફ દશેરાની ઉજવણીનું છેલ્લી ઘડીનું કામ ચાલી રહ્યું છે ત્યાં બીજી બાજુ સાંગલીના શિવસૈનીકોનો ભીષણ અકસ્માત થયો છે. શિંદે જૂથના દશેરા મેળાવા માટે મુંબઇ આવવા નિકળેલા શિવસૈનિકોની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કવઠેમહાકાળ તાલુકામાંથી પસાર થતાં રત્નાગિરી નાગપૂર રાષ્ટ્રીય મહામાર્ગ પર શીરઢોણ ગામ પાસે આ અકસ્માત થયો હતો. પૂર ઝડપે આવી રહેલ એક ટ્રકે શિવસૈનિકોની ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. આ લોકો શિંદે જૂથના યુવા મોરચાના પદાધિકારી હોવાનું કહેવાઇ રહ્યું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી આઝાદ મેદાન ખાતે દશેરા મેળાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. મેદાનમાં છેલ્લે બેસેલા શિવસૈનિકને પણ એકનાથ શિંદેના વિચારો સાંભળવા મળે તે હેતુથી છ મોટી સ્ક્રિન લગાવવામાં આવી છે. આ આખો વિસ્તાર ભગવામાં ફેરવાઇ ગયો છે. મેદાનની આસપાસ પાણી અને સ્વચ્છતાગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો શિવસૈનિકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.