તહેસીલ કચેરીનો અધિકારી 1.05 લાખની લાંચ લેતાં પકડાયો…

નાગપુર: નાગપુર જિલ્લામાં જમીનનો રેકોર્ડ અપડેટ કરવા માટે 1.05 લાખ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ તહેસીલ કચેરીના અધિકારીની ધરપકડ કરી હતી.અજય પાંડુરંગ ખોબ્રાગડે (50) ઉમરેડ વિસ્તારમાં તહેસીલ કચેરીનો સર્કલ ઓફિસર હતો, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર ફરિયાદીએ રાજુરવાડી ગામમાં ખેતીલાયક જમીન ખરીદી હતી. તેની પાસે ખેડૂતનું પ્રમાણપત્ર ન હોવાથી તેણે જમીનની નોંધણીના અપડેશન માટે તહેસીલ કચેરીનો સંપર્ક સાધ્યો હતો. આ કામ કરી આપવા માટે અજય ખોબ્રાગડેએ 1.05 લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
અધિકારીઓએ તપાસ કર્યા બાદ બુધવારે છટકું ગોઠવી ખોબ્રાગડેને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.
ખોબ્રાગડે વિરુદ્ધ વાથોડા પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં તેના નિવાસસ્થાને સર્ચ હાથ ધરાઇ હતી. (પીટીઆઇ)