Central Railway પર એસી ટાસ્ક ફોર્સે 2,979 પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી વસૂલ્યો આટલો દંડ…

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન બની ગયેલી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને એમાં ઘણા પ્રવાસીઓ વિધાઉટ ટિકિટ કે પછી ઈનવેલિડ ટિકિટ પર પ્રવાસ કરતાં હોય છે. 25મી મેથી 15મી જૂન સુધી પર એસી લોકલ અને ફર્સ્ટ ક્લાસ ટાસ્ક ફોર્સ દ્વારા 2979 પ્રવાસીઓ સામે કાર્યવાહી હાથ ધરીને 10.04 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
છેલ્લાં કેટલાક સમયથી પ્રવાસીઓ દ્વારા અને એમાં પણ ખાસ કરીને એસી લોકલમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવે પર એસી લોકલ અને તેમ જ ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરતાં ગેરકાયદે પ્રવાસીઓ અંગે ફરિયાદો મળી રહી હતી.
આ પણ વાંચો : JCB ચાલક દ્વારા કેબલને નુકસાન: Central Railwayને ૧.૫ લાખનું વળતર
પ્રવાસીઓના આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવે દ્વારા આવા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે અને આ ટાસ્ક ફોર્સમાં 14 સભ્યનો સમાવેશ થાય છે. રેલવે દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વોટ્સએપ કમ્પ્લેઈન્ટ નંબર 7208819987 લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેલ્પ લાઈન પર પ્રવાસીઓ કોચમાં ગેરકાયદે કરતાં પ્રવાસીઓ સામે ફરિયાદ નોંધાવી શકશે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.
મુંબઈના સબર્બન નેટવર્ક પર દરરોજ આશરે 33 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને દરરોજ રેલવે દ્વારા 1810 ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં 66 એસી લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે, જેમાં સરેરાશ 78,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે.