આમચી મુંબઈ

પોલીસ એસ્કોર્ટ ચાર્જ ચૂકવવામાં અસમર્થતા દાખવી:હાઇ કોર્ટે ગેન્ગસ્ટર અબુ સામેલને પેરોલ આપવાનો ઇનકાર કર્યો

મુંબઈ: જેલમાં બંધ ગેન્ગસ્ટર અબુ સાલેમે પોલીસ એસ્કોર્ટ ચાર્જ ચૂકવવામાં અસમર્થતા દાખવ્યા બાદ બોમ્બે હાઇ કોર્ટે ગુરુવારે સાલેમની પેરોલ માટેની અરજી ફગાવી દીધી હતી.

1993ના મુંબઈના બોમ્બબ્લાસ્ટ કેસમાં પચીસ વર્ષની સજા ભોગવી રહેલા સાલેમે તેના ભાઇ અબુ હકીમ અન્સારીના મૃત્યુને પગલે ઉત્તર પ્રદેશના પોતાના વતન જવા ઇમર્જન્સી પેરોલ માટે અરજી કરી હતી.

રાજ્ય જેલ સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત હાઇ સિક્યુરિટી એસ્કોર્ટ ચાર્જ ચૂકવવામાં પોતાનો અસીલ અસમર્થ હોવાનું સાલેમના વકીલે જણાવ્યા બાદ જસ્ટિસ અજય ગડકરી અને શ્યામ ચાંડકની ડિવિઝન બેન્ચે સાલેમની અરજી ફગાવી દીધી હતી.

અગાઉની સુનાવણીમાં સાલેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ એસ્કોર્ટ ચાર્જ માટે સાલેમ એક લાખ રૂપિયાથી વધુ ચૂકવી શકશે નહીં. હાઇ કોર્ટે બાદમાં મૌખિક ટીપ્પણી કરી હતી કે સાલેમ ‘સોદાબાજી’ નહીં કરી શકે અને જો તે જવા માગતો હોય તો ચાર્જ ચૂકવવો પડશે.

સામેલના ભાઇ અબુ હકીમ અન્સારીનું નવેમ્બરમાં અવસાન થયું હોવાથી તેણે ડિસેમ્બર, 2025માં પેરોલ માટે અરજી કરી હતી. સાલેમે કહ્યું હતું કે કોર્ટના ક્રિસમસ વેકેશનને કારણે તેની અરજીમાં વિલંબ થયો હતો.

સાલેમના ભાઇનું પંદરમી નવેમ્બર, 2025ના રોજ મૃત્યુ થયું હતું અને સાલેમે પોતાના વતન જવા 14 દિવસના ઇમર્જન્સી પેરોલ માટે અરજી કરી હતી. જોકે જેલ સત્તાવાળાઓએ 20 નવેમ્બરના આદેશ મુજબ અરજી ફગાવી દીધી હતી.

1993ના મુંબઈના સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં દોષિત સાલેમને લાંબી કાનૂની લડાઇ બાદ 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલથી પ્રત્યર્પણ કરી ભારત લવાયો હતો. 1995માં મુંબઈના બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાના કેસમાં વિશેષ ટાડા કોર્ટે સાલેમને અલગથી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button