1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમની ‘માફી’ માટે હાઈ કોર્ટમાં અરજી

મુંબઈઃ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ગેંગસ્ટર અબુ સાલેમે માફી અને જેલમાંથી મુક્તિ માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે. ભારત અને પોર્ટુગલ વચ્ચેના પ્રત્યાર્પણ કરાર મુજબ સાલેમે પચ્ચીસ વર્ષની જેલની સજા પૂરી કરી હોવાથી તેણે જેલમાંથી મુક્ત કરવાની માગ કરતી અરજી કરી છે.
આ સંદર્ભે સાલેમની અરજીને 10મી ડિસેમ્બરના રોજ ખાસ ટાડા કોર્ટે ફગાવી દીધી હતી. આની સામે સાલેમે હાઈ કોર્ટમાં અરજી કરી છે. સાલેમની અરજીની સુનાવણી જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ મોડકની બેન્ચ સમક્ષ થઇ હતી. આ બાબતને ધ્યાનમાં લીધા બાદ સુનાવણી 10મી માર્ચે મોકૂફ રાખવામાં આવી હતી.
અબુ સાલેમે કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે કાચા કેદી તરીકે વિતાવેલા સમય અને મળેલી માફી સહિત કુલ સજા પચ્ચીસ વર્ષથી વધુ છે. તેમની અરજી મુજબ 24મી ડિસેમ્બર, 2024 સુધીમાં તેણે બે કેસમાં કુલ પચ્ચીસ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે.
નવેમ્બર, 2005થી સપ્ટેમ્બર, 2017 સુધી તેણે 11 વર્ષ, 9 મહિના અને 26 દિવસ જેલમાં વિતાવ્યાં હતાં અને ત્યાં સુધી તેનો કેસ ઉકેલાયો નહીં. ફેબ્રુઆરી, 2015થી ડિસેમ્બર, 2024 દરમિયાન 2006ના ટાડા કેસમાં દોષી ઠેરવવા બદલ તેને 9 વર્ષ, 10 મહિના અને 4 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 2006ના કેસમાં સારા વર્તન માટે તેને ત્રણ વર્ષ અને 16 દિવસની માફી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
સાલેમે અરજીમાં એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેને પોર્ટુગલમાં ટ્રાયલમાં વિતાવેલા સમય માટે એક મહિનાની સજા આપી હતી. આ ઉપરાંત 2024ના અંત સુધીમાં ઉપરોક્ત સમયગાળાને ઉમેરીને તેણ કુલ 24 વર્ષ, 9 મહિનાથી વધુ સમય જેલમાં વિતાવ્યા હોવાનો દાવો કર્યો છે.
આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણ દરમિયાન આપવામાં આવેલાં વચનોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે સજા ભોગવ્યા પછી પણ વ્યક્તિને જેલમાં રાખવી એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.