ઉત્તર પ્રદેશમાં ડોક્ટરની હત્યા કરી ફરાર થયેલો
આરોપી બાંદ્રામાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપાયો
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ડોક્ટરની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બાંદ્રા વિસ્તારમાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ મંગેશકુમાર સંગ્રામ યાદવ (22) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી-લૂંટ અને મારપીટના ગુના દાખલ છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમને માહિતી મળી હતી કે બાંદ્રા પશ્ર્ચિમમાં રંગશારદા હોટેલ નજીક યુવક ગુરુવારે શસ્ત્રો સાથે આવવાનો છે. આથી પોલીસની ટીમે છટકું ગોઠવ્યું હતું અને યાદવને તાબામાં લીધો હતો. યાદવની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી પિસ્તોલ અને બે જીવંત કારતૂસ મળી આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
યાદવની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ડોક્ટરની હત્યા કરીને તે ફરાર થઇ ગયો હતો. આ પ્રકરણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ કરાયો હતો. જાધવ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેનેે રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જાધવને વધુ તપાસ માટે જલાલપુર પોલીસને હવાલે કરાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.