હરિયાણામાં હત્યાના કેસમાં ફરાર આરોપી મીરા રોડથી ઝડપાયો

થાણે: હરિયાણામાં હત્યાકેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મીરા રોડથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સચિન ઉર્ફે બિહારી (27) તરીકે થઇ હોઇ તેને બાદમાં વધુ તપાસ માટે હરિયાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
હરિયાણાના જિંદ જિલ્લામાં આવેલા ઘોઘડિયા ગામમાં 29 ઑગસ્ટે આરોપીેએ તેના સાથીદારો સાથે મળીને ગોવિંદા નામના યુવક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદાનું સારવાર દરમિયાન 7 સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. આથી હરિયાણાના ઉચાના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન હત્યામાં સંડોવાયેલા સચિન ઉર્ફે બિહારીની શોધ ચલાવી રહેલી પોલીસને માહિતી મળી હતી કે સચિન મીરા રોડમાં તેના સગાને ત્યાં ગયો છે. આથી તેને શોધવા માટે હરિયાણા પોલીસની ટીમ મીરા રોડ આવી હતી. તેમણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 (કાશીમીરા)ની મદદથી સચિનના સગા બ્રિજેશ સતપાલ બૌદ્ધને શોધી કાઢ્યો હતો. બાદમાં પોલીસ ટીમે કાશીમીરા વિસ્તારમાંથી સચિનને પણ ઝડપી પાડ્યો હતો.
આપણ વાંચો: લખનઉ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ; ડીમ્પલ યાદવ સહિત નેતાઓ સવાર હતાં