રૂ. 3.60 કરોડના ગાંજાની જપ્તિના કેસમાં ફરાર
મુખ્ય સૂત્રધાર, તેનો સાથી ઓડિશાથી ઝડપાયા

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) રૂ. 3.60 કરોડના ગાંજાની જપ્તિના કેસમાં ફરાર મુખ્ય સૂત્રધાર અને તેના સાથીને ઓડિશાથી ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ લક્ષ્મીકાંત રામા પ્રધાન ઉર્ફે લક્ષ્મીભાઇ અને વિદ્યાધર વૃંદાવન પ્રધાન તરીકે થઇ હોઇ કોર્ટે બંનેને 20 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
એએનસીના ઘાટકોપર યુનિટના અધિકારીઓએ 12 જાન્યુઆરી, 2021ના રોજ મળેલી માહિતીને આધારે વિક્રોલી પૂર્વમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રકને આંતરી હતી. ટ્રકમાં હાજર દિનેશકુમાર સજીવન સરોજ અને આકાશ સુભાષ યાદવને તાબામાં લીધા બાદ ટ્રકની તલાશી લેવાતાં તેમાં રૂ. 3.60 કરોડની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા ટ્રક જપ્ત કર્યા બાદ બંને આરોપી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
આ કેસમાં બાદમાં 23 જૂન, 2021ના રોજ સંદીપ સાતપુતેની ધરપકડ કરવામાં આવી હતી, જે આ ટોળકીનો સભ્ય હતો અને મુંબઈ-પાલઘરમાં ગાંજો વેચતો હતો. ત્રણેય આરોપી સામે બાદમાં કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.
દરમિયાન આ કેસમાં ફરાર મુખ્ય સૂત્રધાર લક્ષ્મીકાંત અને તેનો સાથી વિદ્યાધરને ત્યારથી પોલીસ શોધી રહી હતી. બંને આરોપી ફેબ્રુઆરી, 2021થી ઓડિશા, તેલંગણા, હૈદરાબાદ અને નેપાળમાં સંતાતા ફરતા હતા. આખરે બંને આરોપી ઓડિશાના ભરમપુરમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં રવાના થઇ હતી અને સ્થાનિક પોલીસની મદદથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી લક્ષ્મીકાંત વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશન તથા ઓડિશાના દિઘાપોંડી અને કે, નુગાવ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે.