આમચી મુંબઈ

અભિષેક ઘોસાળકર હત્યાકેસ મોરિસે જ ગોળી ચલાવી કે કોઇ ત્રીજી વ્યક્તિએ? ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર ઉપર થયેલા ગોળીબાર મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકાર ઉપર હલ્લા બોલ કર્યો હતો. તેમણે રાજ્યમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તેમ જ ચૂંટણી યોજવાની માગણી કરી હતી તથા અભિષેક અને મોરિસના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે મોરિસે જ અભિષેકને ગોળી મારી હતી કે ત્રીજી કોઇ વ્યક્તિએ બન્નેને ગોળી મારી હતી?

હાલમાં અભિષેક ઘોસાળકરની હત્યાનો મામલો ગરમાયો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના આ નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

તેમણે રાજ્યમાં કાયદા અને સુવ્યવસ્થાની હાલત વિશે પ્રશ્ર્ન ઉપસ્થિત કરતા સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષમાં સરકારના પ્રોત્સાહનથી ગુંડાગીરી ચાલુ છે. ગુંડાઓના પ્રધાનો સાથેના ફોટાઓ દેખાય છે. ગુંડાઓને મળતું સંરક્ષણ એ ચિંતાનો વિષય છે.

અમારા યુવા કાર્યકર્તા અભિષેક તેની હત્યા થઇ અને ગુંડાએ પોતે આત્મહત્યા કરી નાંખી. આ પ્રકરણ ઉપર ઉપરથી જેવું દેખાય છે તેવું નથી. જો ગુંડાએ આવું પગલું લીધું તો તેણે આત્મહત્યા કેમ કરી? એ પ્રશ્ર્ન રહે છે. ફેસબુક લાઇવ ચાલું હતું ત્યારે આ ઘટના બની પણ ગોળી કોણ ચલાવે છે તે હજી સુધી સ્પષ્ટ દેખાતું નથી, એવો સવાલ ઉદ્ધવે પૂછ્યો હતો.

ગોળીઓ એ ગુંડાએ મારી કે પછી બીજા કોઇએ એ હજી સ્પષ્ટ જણાતું નથી. આ પહેલાના રાજ્યપાલ ખૂબ કાર્યદક્ષ હતા અને તેમનો જ ફોટો આવ્યો ગુંડા સાથે. એટલે અમે રાજ્યપાલ પાસે જવાના નથી. ગણપતિના વિસર્જન દરમિયાન એક વિધાનસભ્યએ ગોળીબાર કર્યો, તેના ઉપર પણ કાર્યવાહી કરી નહીં. દહીસરમાં વિધાનસભ્યના દિકરાએ બિલ્ડરના દિકરાનું અપહરણ કર્યું, તેના ઉપર પણ કાર્યવાહી કરી નહીં.

કાલે પુુણેમાં નિખીલ વાગલે, અસીમ સરોદે, વિશ્ર્વંભરી ચૌધરી ઉપર હુમલો થયો. ભાજપના ગુંડાઓએ તેને ધમકી પણ આપી હતી. પોલીસે હજી સુધી તેમના ઉપર કાર્યવાહી કરી નથી.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી માગણી પણ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. સુપ્રીમ કોર્ટે અમને ન્યાય આપવો જોઇએ, એમ ઉદ્ધવ ઠકારેએ કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ અભિષેક ઘોસાળકરની થયેલી હત્યા વિશે જણાવ્યું હતું કે મૌરીસની પાસે લાઇસન્સવાળું હથિયાર નહોતું. તેણે તેના બોડીગાર્ડની પિસ્તોલ લઇને ગોળી ચલાવી. શું મૌરીસે જ ગોળી ચલાવી કે પછી બીજા કોઇએ? શું કોઇએ બંનેને મારી નાંખવાની સોપારી આપી હતી? એવો સવાલ પણ ઉદ્ધવે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button