અભિષેક ઘોસાળકર હત્યા કેસ: આરોપીના બૉડીગાર્ડના જામીન મંજૂર
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની પાંચ મહિના અગાઉ કરાયેલી હત્યામાં જેની પિસ્તોલનો કથિત રીતે ઉપયોગ થયો હતો તે સ્થાનિક સમાજસેવક મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. ગુનો આચરવામાં આરોપીની સંડોવણી શંકાસ્પદ હોવાની નોંધ કોર્ટે કરી હતી.
એડિશનલ સેશન્સ જજ વી. એમ. પઠાડેએ 26 જૂને આરોપી બૉડીગાર્ડ અમરેન્દ્ર સિંહની જામીન અરજી મંજૂર કરી હતી, જેના આદેશની નકલ સોમવારે પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: આર્થિક પાટનગરમાં આર્મ્સ લાઈસન્સ આપવાના નિયમો છે સખત, પણ શું હોય છે પ્રક્રિયા?
જામીન આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે બોરીવલી પશ્ર્ચિમમાં ફેસબૂક લાઈવ દરમિયાન સેના નેતા ઘોસાળકરની હત્યા બાદ નોરોન્હાની આત્મહત્યામાં સિંહની સંડોવણી પુરવાર કરતી કોઈ સામગ્રી પોલીસને મળી નથી.
આ કેસમાં પોલીસે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યા પછી સિંહે બીજી વાર જામીન અરજી કરી હતી. અરજીમાં નોરોન્હાના બૉડીગાર્ડે દાવો કર્યો હતો કે ગુનામાં તેણે કાવતરું ઘડ્યું હોવાનું દર્શાવતા કોઈ પુરાવા પોલીસ પાસે નથી.
આ પણ વાંચો: અભિષેક ઘોસાળકર હત્યાકેસ: આરોપી મોરિસના બોડીગાર્ડ સામેના આક્ષેપો ‘વાજબી’: કોર્ટ
બોરીવલીની આઈસી કોલોની સ્થિત નોરોન્હાની ઑફિસમાં ફેસબૂક લાઈવ દરમિયાન ઘોસાળકરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યામાં નોરોન્હાના બૉડીગાર્ડ સિંહની પિસ્તોલનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં જણાતાં પોલીસે સિંહની ધરપકડ કરી હતી.
(પીટીઆઈ)