અભી બોલા અભી ફોકઃ નિલેશ રાણેએ મોટા ઉપાડે જાહેરાત કરી ને હવે…

મુંબઈ: ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ દશેરાની પૂર્વસંધ્યાએ રાજકારણમાંથી કાયમી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર તેણે આ જાહેરાત કરતાની સાથે જ રાજકારણ ગરમાયું હતું. નિલેશ રાણેની આ જાહેરાત પછી ભાજપમાં ચાલતી હિલચાલને કારણે પાર્ટીએ ૨૪ કલાકની અંદર નિલેશ રાણેનું મન જીતવામાં સફળતા મેળવી છે.
આ અંગે મંત્રી રવિન્દ્ર ચવ્હાણ બુધવારે સવારે જુહુમાં રાણે પરિવારના બંગલે પહોંચ્યા હતા. નિલેશ રાણે અને રવિન્દ્ર ચવ્હાણ વચ્ચે ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી. તે પછી રવિન્દ્ર ચવ્હાણ નિલેશને લઈને સીધા જ દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલે પહોંચ્યા.
અહીં બંધ બારણે ચર્ચા બાદ નિલેશ રાણેએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને ભાજપમાં ફરીથી જોડાવાની તૈયારી દર્શાવી છે ત્યાર બાદ રવિન્દ્ર ચવ્હાણે મીડિયા સમક્ષ નિલેશ રાણેની નારાજગીનું કારણ સમજાવ્યું હતું અને નિલેશ રાણેને બધાની સામે ખાતરી આપી કે આવી સ્થિતિ ફરી નહીં બને, જ્યારે નિલેશ રાણેએ એક પણ શબ્દ બોલ્યા વિના મૌન રહેવાનું પસંદ કર્યું હતું.
મોટા પક્ષના નેતાઓ મોટાભાગે વિધાનસભ્યો અને સાંસદો જેવી મોટી ચૂંટણીઓ વિશે જ વિચારે છે. જોકે, ગ્રામ પંચાયત જેવી નાની સંસ્થાઓ પ્રત્યે કાર્યકરોની થોડી લાગણી હોય છે. આપણે તેમને જાણવું જોઈએ. તે જાણતા ન હોવાના કારણે નિલેશ રાણે નારાજ હતા. નિલેશ રાણે કાર્યકરોને પ્રેમ કરતા નેતા છે. કાર્યકરોની લાગણી વરિષ્ઠ નેતાઓ સુધી ન પહોંચે તો કોઈ અર્થ નથી. આ દૃષ્ટિકોણથી નિલેશ રાણેએ થોડા ગુસ્સામાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.