મુંબઈ પોલીસમાં ઇન્ટેલિજન્સ માટે છઠ્ઠા જોઇન્ટ કમિશનર તરીકે આરતી સિંહની નિયુક્તિ…
સ્લીપર સેલ અને ગુપ્ત માહિતી પર રાખશે નજર

મુંબઈ: આતંકવાદીઓના સ્લીપર સેલનું પગેરું મેળવવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે મુંબઈ પોલીસને વધુ એક જોઇન્ટ પોલીસ કમિશનર (ઇન્ટેલિજન્સ) મળ્યાં છે અને આ પદ માટે આરતી સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. 2006 બેચનાં આઇપીએસ ઓફિસર આરતી સિંહ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વતની હોઇ એમબીબીએસની ડિગ્રી ધરાવે છે. તેઓ અગાઉ સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સેવા આપી ચૂક્યાં છે.
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા અને ત્યાર પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ પાસે કાયદો-વ્યવસ્થા, ક્રાઇમ, વહીવટીતંત્ર, ટ્રાફિક અને આર્થિક ગુનાઓ માટે પાંચ જોઇન્ટ પોલીસ કમિશનર છે. હવે છઠ્ઠા જોઇન્ટ કમિશનરનું પદ નિર્માણ કરાયું છે.
મુંબઈમાં ગુપ્ત માહિતી એકત્રિત કરવાની કામગીરી સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે, જેનું નેતૃત્વ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ દરજ્જાના એડિશનલ કમિશનર સંભાળે છે અને તેઓ જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા)ને રિપોર્ટ કરે છે. હવે આ બ્રાન્ચનું નેતૃત્વ જોઇન્ટ કમિશનર કરશે, જેઓ ઇન્સ્પેક્ટર જનરલ રેન્કના રહેશે.
સ્પેશિયલ બ્રાન્ચ મુંબઈમાં દરેક હિલચાલ પર નજર રાખે છે. તે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ ભેગા કરે છે, સ્લીપર સેલ અને આતંકવાદી સંગઠન પર સહાનુભૂતિ રાખનારાની પ્રવૃત્તિઓ પર બારીકાઇથી નજર રાખે છે.
નવી યંત્રણા હેઠળ સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર સીધા કમિશનરે રિપોર્ટ કરશે અને કાયદો તથા વ્યવસ્થાના જોઇન્ટ કમિશનર સાથે સમન્વય રાખશે. આને કારણે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ ભેગા કરવામાં અને ઉપરીઓ સાથે સમયસર માહિતી આદાનપ્રદાન કરવામાં મદદ થશે, જેથી જરૂર હોય ત્યાં તુરંત પગલાં લઇ શકાશે. હાલમાં સ્પેશિયલ બ્રાન્ચમાં એડિશનલ કમિશનરનો હોદ્દો ખાલી છે અને તેની પર ક્રાઇમના એડિશનલ કમિશનર ધ્યાન રાખી રહ્યા છે.
આપણ વાંચો : હાઇ કોર્ટની ફટકાર બાદ BCCI મુંબઈ પોલીસને ચૂકવશે ઉધારી