AAI નવી મુંબઈ એરપોર્ટ માટે લેન્ડિંગ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કરશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ગયા મહિને NMIA (નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ) નું ILS (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) પરીક્ષણ હાથ ધર્યું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાન અને અવિરત વરસાદને કારણે તે પૂર્ણ થઈ શક્યું ન હતું. હવે AAIએ 12 ઓગસ્ટે ફરીથી ફ્લાઈટ્સનું ટ્રાયલ રન હાથ ધરવાની યોજના બનાવી છે.
ILS પરીક્ષણ એ ઓપરેશન માટે NMIAની તૈયારીનો એક નિર્ણાયક ભાગ છે, તે સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમના આડા અને વર્ટિકલ માર્ગદર્શનનો ઉપયોગ કરીને એરક્રાફ્ટ ચોકસાઇ સાથે ઉતરી શકે છે. એકવાર પરીક્ષણ પૂર્ણ થઈ જાય, અને પાથવેનું મેપીંગ થઇ જાય પછી આગળની પ્રક્રિયા માટે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. NMIA ખાતે રનવે સંપૂર્ણ રીતે કાર્યરત થાય તે પહેલાં કેટલાક વધારાના પરીક્ષણો અને પરવાનગીઓ જરૂરી છે.
AAIના એક અધિકારીએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલર્સ શહેરમાં હવાઈ ટ્રાફિકની ભીડનું સંચાલન કરશે, જેને કારણે મુંબઇ આવતી ફ્લાઇટ્સનું આગમન વિલંબમાં મુકાશે. પરિણામે, સામાન્ય 22 થી 25 આગમનની સરખામણીએ આ સમયગાળા દરમિયાન માત્ર 18 ફ્લાઇટ્સ જ અહીં ઉતરશે. જોકે, મુંબઈથી પ્રસ્થાન કરતી ફ્લાઇટ પર કોઈ અસર થશે નહીં.
નોંધનીય છે કે NMIA માર્ચ 2025થી તેની કમર્શિયલ કામગીરી શરૂ કરશે. એ પહેલા આવતા મહિને ભારતીય વાયુસેના દ્વારા તેનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, જેમાં વાયુસેનાનું પ્રથમ પ્રથમ એરક્રાફ્ટ અહીં ઉતરાણ કરશે. આ એરપોર્ટ જ્યારે તેની કામગીરી શરૂ કરશે ત્યારે નોંધપાત્ર સંખ્યામાં મુસાફરો અને કાર્ગોને હેન્ડલ કરી શકશે એમ માનવામાં આવે છે.
NMIA નું નામ ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (દિવંગત દિનકર બાલુ પાટીલ) છે. તેઓ Peasants and Workers Party of Indiaના નેતા હતા. મુંબઇના જૂહુ ખાતે ભારતનું અને મુંબઇનું પહેલું નાગરી ઉડ્ડયન એરપોર્ટ, છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ NMIA મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું ત્રીજું એરપોર્ટ છે.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ માટે આવ્યો નવો અવરોધ, ગામવાસીઓએ નોંધાવ્યો વિરોધ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અદાણી ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, તેનું નિર્માણ પાંચ તબક્કામાં કરવામાં આવશે, જે અંતે વાર્ષિક 90 મિલિયન મુસાફરોને સમાવી શકશે. એરપોર્ટના પ્રારંભિક તબક્કામાં 20 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે.
15 ઑગસ્ટ નિમિત્તે એરપોર્ટ પર સઘન ચેકીંગ હાથ ધરાશેઃ
દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આગામી 15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને તેના બે-ચાર દિવસ અગાઉથી જ એરપોર્ટ પર સુરક્ષા ચેકીંગ સઘન બનાવી દેવામાં આવશે, જેને કારણે હવાઇ પ્રવાસીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રવાસીઓને ફ્લાઇટ ચૂકી જવાનું ટાળવા માટે એરપોર્ટ પર થોડા વહેલા પહોંચવાની સૂચના પણ આપવામાં આવી છે.