આદિવાસી દંપતીને રૂપિયા ચૂકવીને તેમની સગીર પુત્રી સાથે લગ્ન કર્યાં
અહમદનગરના વરરાજા સહિત આઠ જણની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં આદિવાસી દંપતીને પૈસા ચૂકવી તેમની 14 વર્ષની સગીર પુત્રી સાથે લગ્ન કરવા બદલ 35 વર્ષના વરરાજા સહિત આઠ લોકોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સગીરા કાતકરી સમુદાયની છે, એમ જણાવી પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી પુરુષો થાણે જિલ્લાના આદિવાસી પટ્ટામાં આવીને દુલ્હન માટે પૈસા ચૂકવતા હોય છે, જેનું ચલણ આ વિસ્તારમાં વધી રહ્યું છે.
સગીરાના પિતાએ તેનાં લગ્ન અહમદનગર જિલ્લાના રહેવાસી મંગેશ ગાડેકર (35) સાથે 1.20 લાખ રૂપિયામાં નક્કી કર્યાં હતાં.
આ પણ વાંચો: સગીર પુત્રી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતાં પિતાએ ધસમસતી ટ્રેન સામે ઝંપલાવ્યું
આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા શ્રમજીવી સંગઠનના સ્થાનિક સ્વયંસેવક દયાનંદ પાટીલને સૌપ્રથમ આ આયોજિત લગ્ન વિશે માહિતી મળી હતી, જેને પગલે પોલીસને તેની જાણ કરવામાં આવી હતી.
દરમિયાન પોલીસ ટીમ બુધવારે પિંજલે ગામમાં પહોંચી હતી અને વરરાજા તથા ક્ધયા એકબીજાને માળા પહેરાવી રહ્યાં હતાં ત્યારે તેમને અટકાવ્યાં હતાં.
આ પ્રકરણે 11 લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143 તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આમાંથી મંગેશ ગાડેકર સહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી હતી. સગીરાના પિતા, સાવકી માતા સહિત ત્રણ ફરાર છે, એમ ગણેશપુરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંદીપન સોનાવણેએ જણાવ્યું હતું.
નાશિક અને અહમદનગર જિલ્લામાં ક્ધયાઓ સરળતાથી મળતી ન હોવાથી ત્યાંના પુરુષો સગીર છોકરીઓ સાથે લગ્ન કરવા માટે થાણે આવે છે.
(પીટીઆઇ)