ભાજપ મહારાષ્ટ્રને રણમાં ફેરવી રહ્યું છે: આદિત્ય ઠાકરે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ સરકારની ટીકા કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર પર ‘લાખો વૃક્ષો’ કાપવાની જરૂર પડે તેવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ નિશાન સાધ્યું હતું, જેમાં મુંબઈને પાણી પૂરું પાડવા માટે પ્રસ્તાવિત ગારગાઈ ડેમ બનાવવાનો પણ સમાવેશ થાય છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે શાસકપક્ષ ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રને રણમાં ફેરવવા માગે છે.
‘શહેર (મુંબઈ)માં માર્ચ અને એપ્રિલમાં ક્યારેય પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો નથી જે આ વર્ષે અનુભવાઈ રહી છે. રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે, માર્ચ અને એપ્રિલમાં 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યું છે અને તેનું કારણ હવામાન પરિવર્તન છે,’ એમ ઠાકરેએ કહ્યું હતું.
રાજ્ય વન્યજીવન બોર્ડે લાખો વૃક્ષો કાપવા તરફ દોરી જતા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. મુંબઈની પાણીની સમસ્યાને દૂર કરવા માટે ગારગાઈ ડેમ બનાવવા માટે થાણે અને પાલઘર જિલ્લામાં પાંચ લાખ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે. ભાજપ મહારાષ્ટ્રને રણ બનાવવા માંગે છે,’ એમ રાજ્યના ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું. જો જરૂર પડશે, તો સેના (યુબીટી) કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન ખાતાના પ્રધાન (ભૂપેન્દ્ર યાદવ) તેમજ દેશના રાષ્ટ્રપતિનો સંપર્ક કરીને આ પ્રોજેક્ટનો વિરોધ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
મહા વિકાસ આઘાડી (એમવીએ) સત્તામાં હતી ત્યારે (2019થી 2022 સુધી) ગારગાઈ ડેમ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો હતો જે ડેમના નિર્માણ પહેલા ખૂબ જ સરસ રીતે પૂર્ણ થઈ શક્યો હોત, તેને ઓછામાં ઓછી જગ્યાની જરૂર હતી અને તે ખૂબ જ ખર્ચની દૃષ્ટિએ અસરકારક હોત, એમ સેના (યુબીટી)ના નેતાએ જણાવ્યું હતું. જોકે, ડિસેલિનેશન પ્રોજેક્ટ અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે રદ કરી દીધો હતો.
આ પ્લાન્ટથી 450 એમએલડી પાણી ઉત્પન્ન થયું હોત, જેને વધારીને 600 એમએલડી કરી શકાયું હોત. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પડોશી પાલઘર જિલ્લામાં ગારગાઈ ડેમ પ્રોજેક્ટ માટે વન્યજીવન અને પર્યાવરણીય મંજૂરીઓ આપવાને લીલી ઝંડી આપી હતી, જે મુંબઈને પાણી પૂરું પાડશે.
ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, ‘મુંબઈ શહેરની ચોમાસા પરની નિર્ભરતા ઘટાડવાને બદલે બીએમસી વૃક્ષો કાપી રહી છે અને શહેરને વરસાદ પર વધુ નિર્ભર બનાવી રહી છે.’ આ ઉપરાંત, ગઢચિરોલીમાં ખાણકામ પ્રોજેક્ટ માટે 1.5 લાખ વૃક્ષો કાપવામાં આવશે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
આપણ વાંચો : શિંદેએ એઆઈ દ્વારા બાળ ઠાકરેનો અવાજ બનાવવા બદલ સેના-યુબીટીની ટીકા કરી અને હલકું કૃત્ય ગણાવ્યું