આમચી મુંબઈ

પેડર રોડના વ્યાવસાયિકના ૯૦ લાખની ઉચાપતના કેસમાં યુવકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પેડર રોડ ખાતે રહેતા વ્યાવસાયિકનું સિમ કાર્ડ અને ઈ-મેઈલ આઈડી હૅક કરી ૯૦ લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા પ્રકરણે મધ્ય પ્રદેશથી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આટલી રકમની ઉચાપત કર્યા પછી પણ લાલચુ આરોપીએ ફરી એક રૂપિયો ટ્રાન્સફર કર્યો ત્યારે ફરિયાદીને આ બાબતની જાણ થઈ હતી.

સાઉથ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મુકુલ આસારામ સિંહ (૨૦) તરીકે થઈ હતી. મધ્ય પ્રદેશના લશ્કર પરિસરમાં રહેતા આરોપીના બૅન્ક ખાતામાં આ રૅકેટના મુખ્ય આરોપીએ છ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પેડર રોડ ખાતે રહેતા અને સ્ટૉક માર્કેટ તેમ જ ક્ધસ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાવસાયિકે આ મામલે ઑક્ટોબર, ૨૦૨૩માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રીજી ઑક્ટોબર, ૨૦૨૩ની સવારે ફરિયાદીના બૅન્ક ખાતામાંથી એક રૂપિયો ડેબિટ થયાનો મેસેજ ફરિયાદીના મોબાઈલ ફોન પર આવ્યો હતો. ફરિયાદીને શંકા જતાં તેમણે પોતાની ઑફિસના સિનિયર એકાઉન્ટન્ટને આ બાબતે તપાસ કરવા કહ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે એકાઉન્ટન્ટે સંબંધિત બૅન્કના રિલેશનશિપ મૅનેજરને ફરિયાદ કરી આ ટ્રાન્ઝેક્શનની વિગતો જણાવવા કહ્યું હતું. બૅન્ક ખાતાની વિગતો તપાસતાં એક રૂપિયો વિકાસ સિંહ નામના શખસના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયો હોવાનું જણાયું હતું. આશ્ર્ચર્યજનક બાબત એટલે આ ટ્રાન્ઝેક્શનના મહિના અગાઉ અલગ અલગ સમયે ચાર ટ્રાન્ઝેક્શનથી ફરિયાદીના ખાતામાંથી ૯૦ લાખ રૂપિયા વિકાસ સિંહના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.

આ પ્રકરણે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીના મોબાઈલ ફોનના સિમ કાર્ડ અને ઈ-મેઈલ આઈડીને હૅક કરી આરોપીએ ૯૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેને પગલે તાત્કાલિક ફરિયાદીને જાણ થઈ નહોતી.

વિકાસ સિંહના ખાતામાં જમા થયેલી આ રકમ બાદમાં અલગ અલગ બૅન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાંથી મુકુલના ખાતામાં છ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. મુકુલના ખાતામાંથી એટીએમની મદદથી ૫.૫૦ લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં જણાયું હતું. આ પ્રકરણે પોલીસ સિંહની વધુ પૂછપરછ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો