સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર શૅર કરનારો યુવક દહેરાદૂનમાં ઝડપાયો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 13 વર્ષની સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર કથિત રીતે શૅર કરવા બદલ પોલીસે યુવકની ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ધરપકડ કરી હતી.
પકડાયેલો આરોપી રોહિત કુમાર (21) બિહારનો વતની છે. રોહિતે થાણેમાં રહેતી સગીરા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી તેની નિર્વસ્ત્ર તસવીરો કથિત રીતે પ્રાપ્ત કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે બાદમાં સગીરાએ રોહિત સાથે ચૅટિંગ કરવાનું ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. આ વાતથી રોષે ભરાયેલા રોહિતે સગીરાની અંગત તસવીરો તેનાં સગાંસંબંધીને મોકલાવી ઈન્ટરનેટ પર પણ મૂકી હતી.
આ પ્રકરણે સગીરાએ નોંધાવેલી ફરિયાદને આધારે વર્તક નગર પોલીસે પહેલી એપ્રિલે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને આઈટી ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી દહેરાદૂનમાં હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે દહેરાદૂન પહોંચેલી પોલીસની ટીમે ગુરુવારે રોહિતને પકડી પાડ્યો હતો, એમ વર્તક નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજકુમાર વાકચૌરેએ જણાવ્યું હતું. આરોપીએ આ રીતે અન્ય છોકરીઓને પણ ટાર્ગેટ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
(પીટીઆઈ)