પરભણીનો એક યુવાન મૃત્યુ પામ્યો, પણ પાંચને જીવન આપતો ગયો

મુંબઈઃ વારંવાર કહેવામાં આવે છે કે તમારા મૃત્યુ પચી પણ જો તમારે જીવીત રહેવું હોય તો અવયવ દાન કરો. ઘણીવાર ઉચ્ચ શિક્ષિત અને શહેરી વિસ્તારના લોકો પણ આ વાત સમજતા નથી ત્યારે મહારાષ્ટ્રના પરભણીના એક ખેડૂત પરિવારે સજાગતા દાખવી છે અને તેમના યુવાન પુત્રના અવયવો દાન કર્યા છે. આમ કરી તેણે એક નહીં પાંચ જણને નવજીવન આપ્યું છે.
પરભણીના યુવકના અંગદાનથી પાંચ લોકોને નવું જીવન મળ્યું. રસપ્રદ વાત એ છે કે આ યુવકનું હૃદય ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ, ફેફસાં પુણે અને લીવર નાગપુર 450 કિલોમીટરના ગ્રીન કોરિડોર દ્વારા જરૂરિયાતવાળા દરદીને પહોંચાડવામાં આવ્યા હતા. છત્રપતિ સંભાજીનગરના બે દર્દીઓને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. આ યુવકનું નામ દીપક વિલાસરાવ દરાડે છે. માત્ર 25 વર્ષીય દીપક ખેતરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે સંતુલન ગુમાવ્યું અને તે પડી ગયો. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો…ઘાટકોપર અને કુર્લામાં બપોર સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થશે
તેને મગજમાં આંતરિક રક્તસ્રાવ થયો અને તે કોમામાં ગયો. તેને સારવાર માટે પરભણીની દેવગીરી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ તેની તપાસ કરતાં તે બ્રેઈન ડેડ હોવાનું જાણમાં આવ્યું. પરિવાર માટે આ આભ તૂટ્યા સમાન સ્થિતિ હતી. આ સમયે અંગદાન માટે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી.
પિતા વિલાસ દરાડે, માતા કુસુમ દરાડે, ભાઈઓ રાજુ અને માધવે કપરા સમયમાં પણ અંગદાન નું મહત્વ સમજી તે અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો. ત્યારબાદ તમામ પ્રક્રિયાઓ હાથ ધરાઈ અન મુંબઈની 53 વર્ષીય મહિલા દર્દીને હૃદય, પુણેની 50 વર્ષીય મહિલાને ફેફસાં, નાગપુરના 63 વર્ષીય દર્દીને લીવર અને છત્રપતિ સંભાજીનગરના 52 વર્ષીય દર્દીને બે કિડનીમાંથી એક અને અન્ય છત્રપતિ સંભાજીનગરના 35 વર્ષીય દર્દીને દાન કર્યું હતું.
આ પણ વાંચો…મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના
પરભણીથી નાગપુર સુધી ગ્રીન કોરિડોરથી મુસાફરી કરીને એમ્બ્યુલન્સમાં પાંચ કલાકમાં લીવર નાગપુર પહોંચ્યું. 450 કિમીના અંતરનો ગ્રીન કોરિડોર પ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો.
દેશમાં આજેપણ અવયવોની રાહ જોઈને હજારો દરદીઓ બેઠા છે. જે રીતે દેશમાં અકસ્માત સહિતના કિસ્સા બને છે તે જોતા જો પરિવારો આવી સમજદારી બતાવે તો હજારો લોકો અવયવના અભાવે પથારીવશ ન રહે કે ઓશિયાળુ જીવન જીવવા મજબૂર ન થાય. ચક્ષુદાનથી માંડી તમામ અવયવોના દાન માટે વારંવાર અપીલ થાય છે, પરંતુ લોકો જોઈએ તેની જાગૃતિ બતાવતા નથી. પરભણીના આ પરિવારે સૌને રાહ ચિંધ્યો છે.