આમચી મુંબઈ

સાધુનો વેશ ધારણ કરી દેરાસરોમાં ચોરી કરનારા મરીન ડ્રાઈવના યુવકની ધરપકડ

મુંબઈ: મુહપત્તી અને સફેદ વસ્ત્રો ધારણ કરી સાધુના વેશમાં ભાયંદરના જૈન પરિવારના ઘર દેરાસરમાંથી સોનાની ચેન અને અન્ય કીમતી વસ્તુઓ કથિત રીતે ચોરવાના કેસમાં પોલીસે મરીન ડ્રાઈવના પૉશ વિસ્તારમાં રહેતા યુવકની ધરપકડ કરી હતી. આરોપીએ આ રીતે અન્ય વિસ્તારોનાં દેરાસરોમાં પણ ચોરી કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

ભાયંદરની નવઘર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ નરેશ અગરચંદ જૈન (૨૮) તરીકે થઈ હતી. સીસીટીવી કૅમેરામાં ઝડપાયેલા આરોપીને બુધવારે મરીન ડ્રાઈવ ખાતેથી તાબામાં લેવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી જૈન સાધુની જેમ સફેદ વસ્ત્રો અને મુહપત્તી પહેરીને ચોરી કરતો હતો. પ્રભુના આશીર્વાદ લેવા અને મંદિર જોવાને બહાને આરોપી હાથફેરો કરતો હતો. આરોપી સાધુના વેશમાં જૈન પરિવારના ઘરમાં પ્રવેશતો હતો. બાદમાં પરિવારના સભ્યોને વાતચીતમાં પરોવી તેમનું ધ્યાન બીજે દોરતો હતો. ક્યારેક ચા અથવા પાણી પીવા માટે માગતો હતો. આ દરમિયાન તક ઝડપી ક્ષણભરમાં મંદિરમાંથી કીમતી વસ્તુઓ ચોરી ત્યાંથી પસાર થઈ જતો હતો.

ભાયંદર પશ્ર્ચિમમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્સમાં રહેતા એક વેપારીએ આ પ્રકરણે શનિવારે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ઘર દેરાસર જોવા અને આશીર્વાદ લેવાને બહાને એક સાધુ ઘરમાં પ્રવેશ્યા હતા. બાદમાં એ સાધુ દેરાસરમાંથી ૧૨ ગ્રામ સોનાની ચેન અને અમુક વસ્તુ ચોરી પસાર થઈ ગયા હતા.

કહેવાય છે કે વેપારીના ઘરનો દરવાજો ખુલ્લો જોઈ આરોપી અંદર પ્રવેશ્યો હતો. પ્રભુના આશીર્વાદ લેવા અને મંદિર જોવા આવ્યો હોવાનું સાધુના વેશમાં આવેલા આરોપીએ કહ્યું હતું. ધાર્મિક બાબત હોવાથી ફરિયાદીએ સાધુને ઘરમાં પ્રવેશવા પર મનાઈ કરી નહોતી. સાધુના ગયા પછી ફરિયાદીને ચોરીની જાણ થઈ હતી.

ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં જૈન સાધુના વેશમાં આરોપી નજરે પડ્યો હતો. રસ્તા પર લાગેલા તેમ જ બિલ્ડિંગો અને દુકાનોમાં લાગેલા અનેક સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસ ભાયંદર રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી ભાયંદરથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં બેઠો હતો અને મરીન લાઈન્સ સ્ટેશને ઊતર્યો હતો. પોલીસે મરીન ડ્રાઈવ સ્થિત આરોપીના નિવાસસ્થાન પાસે છટકું ગોઠવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ એલ. ટી. માર્ગ, એમઆરએ માર્ગ, કાંદિવલી, બોરીવલી અને ભાયંદર સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આવા પ્રકારના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button