ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડૉક્ટરે નોંધાવી બળાત્કારની ફરિયાદ
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ અને જેએસડબ્લ્યુ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડોક્ટરે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જિંદાલે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
બીકેસીમાં કંપનીની ઓફિસમાં જાન્યુઆરી, ૨૦૨૨માં આ બનાવ બન્યો હોવાનું મહિલા ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું હતું. એ વર્ષે મહિલાએ બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ત્યાર બાદ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને કોર્ટના નિર્દેશને પગલે પોલીસે જિંદાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલા ઑક્ટોબર, ૨૦૨૧માં દુબઇ ગઇ
હતી ત્યારે આઇપીએલની મેચ વખતે સ્ટેડિયમના વીઆઇપી બોક્સમાં તેની મુલાકાત જિંદાલ સાથે થઇ હતી. ડિસેમ્બર, ૨૦૨૧માં મહિલા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાનના પુત્રનાં લગ્નમાં મહિલા જયપુર ગઇ હતી ત્યારે પણ બંને જણ મળ્યાં હતાં. બાદમાં બંને જણ એકબીજાના સંપર્કમાં હતાં.
જિંદાલે મને હોટેલમાં બોલાવતા હતા, પણ મેં ઇનકાર કર્યો અને રેસ્ટોરાં જેવા સાર્વજનિક સ્થળે મળવાનું જણાવ્યું હતું. તેમણે મને પોતાના ક્રેડિટ કાર્ડની માહિતી પણ આપી હતી. જોકે મેં ના પાડી હતી, એમ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
એક-બે મુલાકાત બાદ જિંદાલે નિકટતા વધારવાનો પ્રયાસ કર્યો હતો. જિંદાલ વિવાહિત હોવાથી મેં કોઇ પણ જાતનો સંબંધ રાખવાની ના પાડી હતી. જોકે લગ્ન બાદ તને વિદેશમાં સેટલ કરીશ, એવું જણાવીને જિંદાલે વિશ્ર્વાસ મેળવ્યો હતો. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ જિંદાલે મને બીકેસીની ઓફિસમાં મળવા બોલાવી હતી, જ્યાં તેઓ મને જબરજસ્તી બાથરૂમમાં લઇ ગયા હતા અને ત્યાં જાતીય સતામણી કરી હતી અને બાદમાં મને ધમકી આપવામાં આવી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
મહિલાએ બાદમાં અનેક વખત જિંદાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમણે મળવાનું ટાળ્યું હતું. મહિલાના પરિવારજનોને આ અંગે જાણ થયા બાદ તેમના કહેવાથી મહિલાએ ફેબ્રુઆરી, ૨૦૨૨માં બીકેસી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે સજ્જન જિંદાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સજ્જન જિંદાલે આક્ષેપો નકારી કાઢ્યા
મહિલા ડોક્ટરે કરેલા આક્ષેપોને ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે નકારી કાઢ્યા છે. રવિવારે સાંજના જારી કરાયેલા નિવેદનમાં જિંદાલે આ આક્ષેપને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગે ચાલી રહેલી તપાસમાં તેઓ સંપૂર્ણ સહકાર આપવા માટે તૈયાર છે. તપાસ ચાલી રહી છે તેથી આ તબક્કે કઇ પણ વધુ બોલવાનું તેમણે ટાળ્યું હતું.