પિસે પાંજરાપોરમાં ૯૧૦ મિલ્યન લિટર ક્ષમતાનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પિસે પાંજરાપોરમાં નવો ૯૧૦ મિલ્યન લિટર ક્ષમતાનો નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવવાનો છે, તે માટે લગભગ ૪,૪૬૩.૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
મુંબઈગરાને શુદ્ધ પાણીનો પુરવઠો કરવા માટે જળાશય પર બાંધવામાં આવેલા બંધમાંથી મુંબઈમાં આવતા પાણી પર ભાંડુપ પમ્પિંગ સ્ટેશન અને પિસે પાંજરાપોરમાં આવેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પ્રક્રિયા કરવામાં આવે છે. હાલ પિસે પાંજરાપૂરમાં ૪૫૫ મિલ્યન લિટર ક્ષમતાનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ છે અને હવે ૯૧૦ મિલ્યન લિટર ક્ષમતાનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવવાનો છે. તેથી વોટર ફ્લ્ટિરેશન પ્લાન્ટની ક્ષમતા વધીને હવે પ્રતિદિન ૧,૮૨૦ મિલ્યન લિટરની થવાની છે.
આ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણી પુરવઠો કરવામાં આવે છે.
મુંબઈને શુદ્ધ પાણી પુરવઠો કરવા માટે ૧૯૭૯માં પિસે પાંજરાપોરમાં ૪૫૫ મિલ્યન લિટર ક્ષમતાનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો. જોકે પાણીની પાઈપલાઈન જૂની અને જર્જરીત થવાની સાથે જ ફિલ્ટરેશન પ્લાન્ટનું આયુષ્ય પણ લગભગ પૂર્ણ થયું હોવાથી તેનું ફરી બાંધકામ કરવું આવશ્યક થઈ ગયું હોવાનું પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ભવિષ્યમાં પાણી પુરવઠો કરવામાં કોઈ પણ પ્રકારના અડચણ આવે નહીં તે માટે ૯૧૦ મિલ્યન લિટર પ્રતિદિન ક્ષમતાનો નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બંધાઈ ગયા બાદ જૂના ૪૫૫ મિલ્યન લિટર પ્રતિદિન ક્ષમતાનો વોટર ફ્લ્ટિરેશન પ્લાન્ટ બંધ કરવામાં આવશે.
પિસે પાંજરાપોર કૉમ્પ્લેક્સની હાલની કુલ ક્ષમતા ૧,૩૬૫ પરથી ૧,૮૨૦ મિલ્યન લિટર પ્રતિદિન સુધી વધારવામાં આવશે. નવો ફિલ્ટરેશન પ્લાન્ટ ઓછી જગ્યામાં વિકસીત કરવા માટે હાઈ રેટ ગ્રેવિટી ફિલ્ટ્રેશન સહિત એડવાન્સ કોગ્યુલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ૭.૬ હેકટર જગ્યામાં નવો ૯૧૦ મિલ્યન લિટર ક્ષમતાનો નવો વોટર વોટર ફિલ્ટેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવવાનો છે તે માટે જુદા જુદા કર સહિત કુલ ૪,૪૬૩.૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
આ પણ વાંચો…થાણેમાં બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ



