થાણેમાં ઉપવન તળાવ ખાતે થીમ આધારિત લેઝર શૉ
આવતા વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થશે લોકાર્પણ
થાણે: થાણેકરોને મનોરંજનના નવા સાધનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ઉપવન તળાવમાં ત્રણ થીમ પર આધારિત ફાઉન્ટન લેઝર શૉ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રામ મંદિરનો ઈતિહાસ અને ઝલક, થાણેની રચના અને મુખ્ય પ્રધાનના બદલાતા થાણેનો સમાવેશ થાય છે, જેની માહિતી લેસર શો દરમિયાન મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં આપવામાં આવશે. આવતા વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં તેનું લોકાર્પણ કરવાનું આયોજન છે.
આ તળાવની સુંદરતામાં વધારો કરવા મહાનગરપાલિકા દ્વારા તળાવ વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ તળાવ વિસ્તારમાં એમ્ફી થિયેટર અને બનારસ ઘાટનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનું કામ અંતિમ તબક્કામાં છે. ત્યારબાદ તળાવમાં ત્રણ થીમ પર આધારિત લેઝર શૉ પ્રોજેક્ટનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ ફાઉન્ટન શૉ દરરોજ સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં મફતમાં પ્રસારિત કરવામાં આવશે. શિવસેનાના સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે કહ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા થાણેના લોકોને મનોરંજનનું નવું માધ્યમ મળશે અને સાથે જ તેમને શહેરના ઈતિહાસ વિશે પણ માહિતી મળશે. સરયુ નદી પર યોજાતી મહાઆરતીની જેમ જ ઉપવનમાં ઘાટ પર સપ્તાહમાં એક વખત મહાઆરતી યોજવાની યોજના છે અને આ આયોજન ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.