નાયરમાં દસ માળની કેન્સર હૉસ્પિટલ ઊભી કરાશે
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાયર હૉસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે દસ માળની અલગ બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને ૨૦૨૬ સુધીમાં અહીં કેન્સરના દર્દીઓની સંપૂર્ણ ક્ષમતા સાથે સારવાર કરવામાં આવશે.
નાયર હૉસ્પિટલમાં ૧૯૯૮થી રેડિયો ઓન્કોલોજી વિભાગમાં કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને મેડિકલ ઓન્કોલોજી વિભાગ ૨૦૦૭માં શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૧૩માં નાયર હૉસ્પિટલમાં કીમોથેરાપી સારવાર માટે ડે કેર સુવિધા શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૭,૭૦૦ વ્યક્તિઓ અને ૭૦૦થી વધુ બાળકોને કીમોથેરાપી દ્વારા સારવાર આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૯,૫૦૦ દર્દીઓને કીમોથેરાપીથી સારવાર આપવામાં આવી છે. ૨૦૨૨માં સ્તન, પેટ, આંતરડા, સ્વાદુપિંડ, ગર્ભાશય, ગળું, માથું વગેરેના સર્જરી વિભાગમાં ૬૪૪ કેન્સરના દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું અહીંના વરિષ્ઠ તબીબે જણાવ્યું હતું.
નાયર હૉસ્પિટલમાં દિન-પ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ પ્રશાસને નાયરમાં કેન્સર વિભાગનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે દસ માળની નવી ઇમારત બનાવવામાં આવી રહી છે. આ બિલ્ડિંગ માટે ૧૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. આ હૉસ્પિટલમાં કુલ ૭૦ બેડ હશે, ૫૦ બેડ રેડિયોથેરાપીના દર્દીઓ માટે અને ૨૦ બેડ કીમોથેરાપીના દર્દીઓ માટે હશે. દસ માળની બિલ્ડિંગમાં બે લીનિયર એક્સીલેટર મશીન, ટેલીકોબાલ્ટ થેરાપી, ટેલીથેરાપી, બ્રેકીથેરાપી, સુસજ્જ ઓપરેશન થિયેટર અને પેટસ્કેન સહિતની ઘણી સુવિધાઓ હશે.