લોકશાહીની હત્યા કરનારાઓને ખરી તાકાતનો પરચો: ફડણવીસ
મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથના એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) પક્ષને ખરો એનસીપી પક્ષ ગણાવ્યો ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જે લોકોએ ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ લોકશાહીની હત્યા કરનારાઓને હવે લોકશાહીની તાકાતનો પરચો દેખાઇ રહ્યો છે.
ચૂંટણી પંચે અજિત પવાર જૂથને એનસીપીનું ચૂંટણી ચિન્હ પણ ફાળવવાનો ચુકાદો મંગળવારે આપ્યો હતો. જ્યારબાદ ફડણવીસે જણાવ્યું હતું કે ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહી અને બહુમતિની જીત છે. ખાસ કરીને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી બાદ જે થયું તેને ધ્યાનમાં રાખતા. લોકોના નિર્ણયને ન ગણકારતા એ સમયે લોકશાહીની હત્યા કરવામાં આવી હતી.
ચોરોએ કરેલી ચોરી ચૂંટણી પંચ યોગ્ય ઠેરવે છે: આદિત્ય ઠાકરે
ભાજપ અને સાથી પક્ષો દ્વારા ચૂંટણી પંચે એનસીપી અંગે આપેલા ચુકાદાનું સ્વાગત થઇ રહ્યું છે તો બીજી બાજુ વિપક્ષના મહાવિકાસ આઘાડી(ઇન્ડિયા) દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચે હવે ચોરોની ચોરીને યોગ્ય ઠેરવવાની શરૂઆત કરી દીધી હોવાની ટીકા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) ઉપર કરી હતી. પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે પક્ષપાત કરતી હોવાનું દેખાઇ આવે છે. ચૂંટણી પંચે ફરી એક વખત લોકો સાથે છેતરપિંડી કરી છે. દેશમાં હવે મુક્ત અને તટસ્ત લોકશાહી અસ્તિત્વમાં નથી એ વાત ચૂંટણી પંચના ચુકાદાથી સ્પષ્ટ થઇગયું છે. ખરેખર શું ચૂંટણી પંચ નિષ્પક્ષ અને સ્વતંત્ર છે કે? એવો પ્રશ્ર્ન પણ આદિત્યએ પૂછ્યો હતો.